વિસનગર વિજાપુર રોડ પર આવેલ કુવાસણા બસ સ્ટેન્ડ નજીક કપાસની જીનમાં રાત્રીના સમયે ચડ્ડી-બનિયાનધારી ગેંગ પાછળ સાઈડ દીવાલનું પતરું તોડી જીનમાં પ્રવેશ કરી અંદરથી સીડી કાઢી જીનમાં પ્રવેશ કરી ચોકીદાર અને રસોઈયાને ખાટલામાં સુવડાવી ગોદડી ઓઢાડી અવાજ કરશો તો જાનથી પતાવી દઈશું તેવી ધમકીઓ આપી બંધક બનાવી ઓફિસનુ તાળું તોડી અંદર ખેડૂતોને પેમેન્ટ આપવા મુકેલા 8 લાખ રોકડ, CCTVનું ડી અને ચોકીદારનો મોબાઈલ મળી કુલ રૂ. 8,02,500ની મતાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા.
જે બનાવને લઈ જિલ્લા પોલીસ વડા સહિત પોલીસ કાફલો ઘટનાસ્થળે દોડી આવી લૂંટનો ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
વિસનગરની પૂજાનગર સોસાયટીમાં રહેતા અને વડનગર તાલુકાના ત્રાંસવાડ ગામના પટેલ અંકિત અશોકભાઈ કુવાસણાથી વિસનગર આવતા રોડ પરમાં ઇન્ડસ્ટ્રીઝ નામની જીન ભાગીદારીથી ચલાવે છે. જેમાં સોમવારના રોજ સાંજે છ વાગ્યે અંકિતભાઈ જીન પર ગયા હતા. ત્યારબાદ ઘરે આવી સૂઈ ગયા હતા. રાત્રિના અઢી વાગે અજાણ્યા બુકાની બાંધેલા ચડ્ડી-બનીયાનધારી સાતથી આઠ શખ્સોએ હાથમાં પથ્થર અને ધોકા લઈ જીનની પાછળ આવેલ દીવાલનું પતરું તોડી અંદર પ્રવેશ કર્યો હતો. જ્યાં પડેલ સીડી લઈ જીનમાં પ્રવેશ કર્યો હતો.
કુવાસણા ગામે જીનમાં થયેલી લૂંટ કેસમાં જિલ્લા પોલીસ વડા અચલ ત્યાગી, વિસનગર ડીવાયએસપી દીનેશસિંહ ચૌહાણ, લોકલ ક્રાઇમ બ્રાન્ચ, સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ, પેરોલ ફલો સ્કોર્ડ, વિસનગર શહેર પોલીસ સ્ટાફ સહિત કાફલો ઘટના સ્થળે દોડી ગઈ તપાસ હાથ ધરી છે. જેમાં લૂંટ અંગે પોલીસ દ્વારા ડોગ સ્કોડ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી.