વિસનગરના જમાઇપરા વિસ્તારમાં 27 વર્ષીય જગદીશજી વિનુજી ઠાકોર પર તલવાર અને ધોકા વડે હુમલો કરવામાં આવ્યો હતો. તેમના ભાઈ સાહિલ વિશે પૂછવા આવેલા ચાર અજાણ્યા શખ્સોએ આ હિંસક હુમલો કર્યો હતો. ગંભીર રીતે ઘાયલ જગદીશજીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
સોમવારની સાંજે જગદીશજી પોતાના ઘરે હતા ત્યારે ઠાકોર ગુલી બાબુજી, તેમના મહેસાણાના જમાઈ આશિષ ઠાકોર તથા અન્ય બે અજાણ્યા વ્યક્તિઓ ત્યાં આવ્યા હતા. તેમણે સાહિલ વિશે પૂછપરછ કરી અને અપશબ્દો બોલવા લાગ્યા. જગદીશજીએ વિરોધ કરતા જ ચારેય ઉશ્કેરાઈ ગયા હતા.

શખ્સોએ તલવાર, છરી અને ધોકાનો ઉપયોગ કરીને જગદીશજી પર હુમલો કર્યો હતો. તેમને બચાવવા પહોંચી આવેલી તેમની બહેનો કોમલબેન અને રોશનીબેનને પણ ધોકા વડે માર મારવામાં આવ્યો હતો. હુમલાખોરો જાનથી મારી નાખવાની ધમકી આપી સ્થળ પરથી ભાગી છૂટ્યા હતા.
જગદીશજીને ગંભીર ઈજાઓ થતાં તેમને સિવિલ હોસ્પિટલ લઈ જવાયા હતા, જ્યાંથી વધુ સારવાર માટે મહેસાણા રિફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જગદીશજીએ વિસનગર શહેર પોલીસ મથકે ગુલીબેન બાબુજી ઠાકોર, આશિષ ઠાકોર તથા બે અજાણ્યા શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. પોલીસ દ્વારા ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે