સહેલીઓની હાજરીમાં મંગળસૂત્ર પહેરાવી લગ્નનું વચન આપી આરોપી ફરી ગયો
એસજી હાઈવે પર છારોડી પાસે આવેલી જાણીતી શાળામાં શિક્ષીકા તરીકે ફરજ બજાવતી મહિલા સાથે સ્કુલ ફ્રેન્ડએ ૧૪ લાખની છેતરપિંડી આચર્યાની ફરિયાદ બે જણા વિરૂદ્ધ સોમવારે રાત્રે નોંધાઈ છે. સ્કુલમાં જોડે અભ્યાસ કરી ચુકેલા મિત્રએ શિક્ષીકાને સહેલીઓની હાજરીમાં મંગળસૂત્ર પહેરાવી લગ્નનું વચન આપ્યું હતું.
શિક્ષીકા પાસે આરોપી અને તેના મિત્રએ રૂ.૧૪ લાખની રકમ લીધા બાદ લગ્ન કર્યા ન હતા. મહિલાએ પૈસા માંગતા આરોપીએ રકમ ના ચુકવતા સાબરમતી પોલીસે બે જણા સામે ગુનો દાખલ કર્યો હતો.
ત્રાગડ રોડ પર રહેતી શિક્ષીકાએ જીગર પુષ્પરાજ પટેકર અને નિકુલ રોહીતભાઈ વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરી હતી.પહેલા પતિથી મહિલાના છૂટાછેડા થયાની જાણ થતા શાળામાં સાથે અભ્યાસ કરતા જીગરે ફરિયાદીનો સંપર્ક કર્યો હતો. આરોપીએ શાળામાં અભ્યાસ કરી ચુકેલી અન્ય સહેલીઓની હાજરીમાં ફરિયાદીને મંગળસૂત્ર પહેરાવી લગ્ન કરવાની ખાતરી આપી હતી. જીગર પર આંધળો ભરોસો કરતી મહિલાએ તેને કુલ રૂ. ૧૦,૮૨,૯૦૦ની રકમ તેમજ દાગીના આપ્યા હતા.જીગરના મિત્ર રોહીત દંતાણીને પૈસાની જરૂર હોવાથી મહિલાએ તેણે પણ ૩.૮૫ લાખની રકમ ઉધાર આપી હતી.
- Advertisement -
બનાવને પગલે મહિલા શિક્ષીકાએ સાબરમતી પોલીસ સ્ટેશનમાં જીગર પટેકર અને નિકુલ દંતાણી વિરૂદ્ધ છેતરપિંડીની ફરિયાદ કરતા પોલીસે ગુનો દાખલ કર્યો હતો.