ગુજરાત હાઇકોર્ટમાં જજ નિર્ઝર દેસાઈની કોર્ટમાં એક દંપતીએ ચાલુ હિયરિંગ દરમિયાન આપઘાતનો પ્રયાસ કર્યો હતો
ગુજરાત હાઇકોર્ટમાં જજ નિર્ઝર દેસાઈની કોર્ટમાં એક વાગ્યાની આસપાસ એક દંપતીએ ચાલુ હિયરિંગ દરમિયાન આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ભરી કોર્ટમાં દંપતી સહિત ચાર લોકોએ ફિનાઇલ પી લેતાં વકીલો દૂર હટી ગયા હતા. હાલ ચારેય લોકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા છે.
ફિનાઇલ પીતાં તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને ચારેયને હોસ્પિટલ લઇ જવાયા હતા, જ્યારે જજ નિર્ઝર દેસાઈ કોર્ટ છોડીને જતાં રહેતાં હિયરિંગ અટક્યું હતું. પોલીસ દ્વારા ત્યાર બાદ પંચનામા સહિતની કામગીરી કરવામાં આવી હતી. પોલીસે ફિનાઈલની બોટલ, ઢાંકણું, ચપલ સહિતની વસ્તુઓ કબજે કરી છે.
- Advertisement -
આપઘાતનો પ્રયાસ કરનારાઓએ કલર મર્ચન્ટ કો-ઓપરેટિવ બેંકે લોનના નામે ફ્રોડ આચરતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી. આથી પોલીસ ફરિયાદ બાદ બેંકના જનરલ મેનેજર અને મેનેજર સહિત કર્મચારીઓએ હાઈકોર્ટમાં આગોતરા જામીન અરજી કરી હતી. ધંધા માટે લીધેલી મોર્ગેજ લોન પાસ થયા બાદ પણ લોનની રકમ ન મળતાં પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
દંપતીએ આનંદનગર પોલીસ સ્ટેશનમાં IPC કલમ 406, 420, 465, 467 હેઠળ લોન કન્સલ્ટન્ટ ચિંતન શાહ, જનરલ મેનેજર કિન્નરભાઈ અને મેનેજર અતુલ શાહ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો હતો.
આરોપીઓના જામીન મંજૂર થઈ જતાં દંપતીને લાગી આવ્યું હતું અને ત્યાં જ દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. હાલ બંનેને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.
હાઇકોર્ટમાં ફિનાઈલ પીનાર ચાર લોકો
1. શૈલેષભાઈ ઈશ્વરભાઈ પંચાલ
2. જયશ્રીબેન શૈલેષભાઈ પંચાલ
3. હાર્દિકભાઈ અમરતભાઈ પટેલ
4. મનોજભાઈ નાથુભાઈ વૈષ્ણવ