વડનગર પોલીસે રાત્રે પેટ્રોલીંગ દરમ્યાન પ્રાપ્ત બાતમીના આધારે સુંઢિયા ગામ નજીકથી ચાઈનીઝ દોરીનો ગેરકાયદે વેપાર કરતા એક શખ્સને ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી છે.તાજેતરમાં જ પોલીસ દ્વારા ચાઈનીઝ દોરી વેચાણના એક કેસમાં કાર્યવાહી કરવામાં આવી હતી, ત્યારબાદ ફરીથી આ વિસ્તારમાં ગેરકાયદેસર દોરીનું વેચાણ થતું હોવાની માહિતી મળી હતી. પોલીસ દ્વારા આ મામલે 720 નંગ ચાઈનીઝ દોરીની રીલ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
ઘટનાની વિગતો મુજબ, વડનગર પોલીસ મથકના પોલીસ કોન્સ્ટેબલ અલ્પેશકુમાર અને ચતુરજી રાત્રિના સમયે તાલુકા વિસ્તારમાં નિયમિત પેટ્રોલીંગ કરી રહ્યા હતા. એ દરમિયાન તેમને ખાનગી સૂત્રો મારફતે માહિતી મળી હતી કે સુંઢિયા ગામના રહેવાસી રાજપૂત બાબુજી ચતુરજી (ઉંમર 48) પોતાના ખેતરમાં આવેલી ઓરડીમાં ગેરકાયદે ચાઈનીઝ દોરી અને તુકકલનું વેચાણ કરી રહ્યો છે.
પોલીસે દરોડો પાડતા ખેતરની ઓરડીમાંથી 720 નંગ ચાઈનીઝ દોરીની રીલ, જેની બજાર કિંમત અંદાજે રૂ. 1.44 લાખ, મળી આવી હતી. રાજપૂત બાબુજીને સ્થળ પરથી જ પકડી લઈ પોલીસ મથકે લાવવામાં આવ્યો હતો. પ્રાથમિક પૂછપરછમાં જાણવા મળ્યું કે આ દોરી તેને પટેલ હરેશભાઈ પાસેથી ખરીદી હતી. હરેશભાઈ હાલ ફરાર છે, જેને પોલીસ દ્વારા વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે.
આ સમગ્ર કેસમાં પોલીસે રાજપૂત બાબુજી અને હરેશભાઈ બંને વિરુદ્ધ BNS કલમ 223 અને 54 હેઠળ ગુનાની નોંધ કરી છે. હરેશભાઈની શોધખોળ માટે અલગ ટીમોની રચના કરવામાં આવી છે. વડનગર પોલીસ હાલમાં આ ગેરકાયદેસર નેટવર્ક પાછળ કોણ-કોણ સંકળાયેલું છે તેની પણ તપાસ હાથ ધરી છે. પોલીસનો દાવો છે કે પતંગની મોસમ નજીક આવતાં આવી ગેરકાયદેસર દોરી વેચાણનાં કેસોમાં વધારો થાય છે અને આવી પ્રવૃત્તિઓ સામે કડક કાર્યવાહી ચાલુ રહેશે.