જાતિના દાખલા કઢાવવામાં પડતી મુશ્કેલીઓ અંગે મુખ્યમંત્રીને રજૂઆત કરવા પહોંચે એ પહેલાં જ પોલીસ દ્વારા કેટલાક આદિવાસી આગેવાનોની અટકાયત કરવામાં આવી હતી. આ ઉપરાંત, દાંતાના કોંગી ધારાસભ્ય કાંતિ ખરાડી સીએમને રજૂઆત કરવા ન પહોંચી શકે તે માટે તેમના ઘરે પણ પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો હતો, જોકે ધારાસભ્ય વહેલી સવારથી જ પોતાના ઘરે હાજર નહોતા. સમગ્ર કાર્યક્રમ સ્થળે અને આસપાસના વિસ્તારોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ‘જનજાતિય ગૌરવ યાત્રા’ના પ્રારંભ માટે રાજસ્થાનના આબુ રોડ ખાતે ઉતરાણ કરીને મોટર માર્ગે અંબાજીના જી.એમ.ડી.સી. ગ્રાઉન્ડના સભાસ્થળે પહોંચ્યા હતા. બનાસકાંઠા જિલ્લા કલેક્ટર દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ દીપ પ્રજ્વલિત કરીને કાર્યક્રમની વિધિવત શરૂઆત કરાવી હતી. આ કાર્યક્રમમાં ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી સહિત અન્ય મંત્રીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.