રામનવમી નિમિત્તે નીકળેલી શોભાયાત્રા બાદ શહેરના વિવિધ વિસ્તારોમાં પોલીસ કાફલો રવાના, 20થી વધુ ટીયરગેસના સેલ છોડાયા : બાઇક, કાર સહિત પાંચ વાહન સળગાવાયા
હિંમતનગરમાં રામનવમીના પવિત્ર દિવસે નીકળેલી શોભાયાત્રા દરમિયાન છાપરીયા વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્ત્વોએ શોભાયાત્રા ઉપર પથ્થરમારો કરતા મામલો બિચકયો હતો. ભરબપોરના સુમારે નીકળેલી શોભાયાત્રા દરમિયાન બનેલી આ ઘટના બાદ છાપરીયા સહિત શહેરના અન્ય વિસ્તારમાં પાંચથી વધુ વાહનો સળગાવી દેવામાં આવ્યા હતા, છાપરીયા વિસ્તારમાં પથ્થરમારાની ઘટના દરમિયાન જિલ્લા પોલીસવડા સહિત પાંચથી વધુ પોલીસકર્મીઓને ઇજાઓ થઇ હતી. જોકે પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ૨૦થી વધુ ટીયરગેસના સેલ છોડયા હતા. હિંમતનગરમાં નીકળેલી શોભાયાત્રા બાદ બનેલી આ ઘટનાની જાણ થતા જ રેન્જ આઇ.જી. સહિત ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.
હિંમતનગરના છાપરીયા વિસ્તારમાં આવેલ રામજી મંદિરથી બપોરના બારેક વાગ્યે આંતરરાષ્ટ્રીય વિશ્વ હિંદુ પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ભગવાનની પૂજા આરતી કર્યા બાદ શોભાયાત્રા કાઢવામાં આવી હતી. જે દરમિયાન છાપરીયા વિસ્તારમાં કેટલાક અસામાજિક તત્ત્વોએ શાંતિપૂર્ણ જઇ રહેલી શોભાયાત્રા ઉપર એકાએક પથ્થરમારો કરતા મામલો બિચકયો હતો. ઘટનાની જાણ થતા જ હિંમતનગર એલસીબી, એસઓજી સહિતની પોલીસ ટીમનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. જોકે તે દરમિયાન પાંચથી વધુ વાહનોને સળગાવી દેવામાં આવ્યા હતા. જોકે આ ઘટના દરમિયાન કેટલાક પોલીસ કર્મીઓ ઉપર પણ પથ્થરમારો કરવામાં આવતા પાંચથી વધુ પોલીસકર્મીઓ પણ લોહીલુહાણ થઇ ગયા હતા.
source – nav gujarat samay
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper