સુરતના વેડરોડ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુલના પરિસરમાં ઉભી કરાયેલ મંત્ર બ્રહ્મ જ્યોતના પ્રાગટ્ય પૂર્વે મહંતસ્વામી ધર્મવલ્લભદાસજી સ્વામી, પ્રભુ સ્વામી સહિતના સંતો અને હરિભક્તોએ દીપ પ્રાગટ્ય કર્યું હતું. તેમજ સેંકડો બલૂનોને આકાશમાં છોડી ચતુર્થ બ્રહ્મ મહોત્સવનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું. પ્રદૂષણથી રહિત આ મંત્ર જ્યોત નૂતન ટેકનોલોજી સાથે જ્યારે ઝળહળી ઊઠી ત્યારે સંતો, હરિભક્તો તેમજ વિદ્યાર્થીઓએ હાથમાં મશાલ લઈને એક્શન સાથે મશાલ નૃત્યનું ગાન કર્યું હતું.આ પ્રસંગે સભામાં ઉપસ્થિત સર્વે પુરુષ તથા મહિલા તેમજ સંતોએ ધર્મવલ્લભદાસજી સ્વામી સાથે મંત્ર જ્યોતની આરતી ઉતારી હતી. પ્રભુ સ્વામીના જણાવ્યા અનુસાર સ્વામિનારાયણ ગુરુકુલ વેડરોડ સુરતના પરિસરમાં ૨,૧૮,૦૦૦ કલાકથી રાત દિવસ નોન સ્ટોપ સ્વામિનારાયણ મહામંત્રની ધૂન થઈ રહી છે.જેમાં દિવસે મહિલાઓ અને રાત્રે યુવાનો ભાગ લેતા હોય છે.
કોરોના લોકડાઉન સમયે તો ઓનલાઈન દેશ-વિદેશના હજારો ભક્તો તેમાં જાેડાયેલા. સ્વામિનારાયણ મહામંત્રની ૨૫ વર્ષથી ચાલતી ધૂનના રજત જયંતી ઉપલક્ષએ આ મંત્ર જ્યોતનું પ્રાગટ્ય કરાયું છે. જેને સંતો હરિભક્તો અને વિદ્યાર્થીઓ ૨૫ હજાર પ્રદિક્ષણાઓ કરી ધન્ય બન્યા છે.આ પ્રસંગે વિરાટ હિંડોળાની રચના કરવામાં આવી છે. પાંચ દિવસ સુધી ભગવાનને હિંડોળે ઝુલાવવાનો લ્હાવો પ્રેમવતી મહિલા મંદિરના સાંખ્યયોગી બહેનોના માર્ગદર્શન અનુસાર મહિલા ભક્તો લેશે.સુરતના વેડરોડ ખાતે આવેલા સ્વામિનારાયણ ગુરુકુલ ખાતે પાંચ દિવસના બ્રહ્મ મહોત્સવનો પ્રારંભ થયો છે. ૧૦૮ મશાલ પ્રગટાવી મંત્ર બ્રહ્મ જ્યોત તથા હિંડોળા ઉત્સવનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું.જેથી સમગ્ર ગુરુકુળનું પટાંગણ રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું. મંદિરમાં સતત ૨૫ વર્ષથી ચાલતી ધૂનની રજત જયંતિ નિમિતે સંતો, હરિભક્તો અને વિદ્યાર્થીઓ ૨૫ હજાર પ્રદિક્ષણાઓ કરી ધન્યતા અનુભવી રહ્યાં છે.