સાણંદ ખાતે “વિશ્વ ચકલી દિવસ”ની ઉજવણી કરવામાં આવી
૨૦ માર્ચના રોજ સાણંદ સ્થિત સંસ્થા સાધના ફાઉન્ડેશન દ્વારા “વિશ્વ ચકલી દિવસ”ની ઉજવણી સાણંદ બસ સ્ટેશન પાસે સ્થિત ડૉ. બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે ૫૦૦ ચકલીના માળા અને ૫૦૦ પક્ષીઓને પાણી પીવા માટેના કુંડાનું વિતરણ કરી કરવામાં આવી હતી.
સાધના ફાઉન્ડેશનના ૨૦ થી વધુ યુવાનોએ આ કાર્યક્રમમાં સ્થાનિકોને વિશ્વ ચકલી દિવસનું મહત્વ સમજાવતા ચકલીનો માળો યોગ્ય જગ્યાએ લાગવા અને પક્ષીઓને પાણી પીવાના કુંડાની રોજ સફાઈ કરી યોગ્ય જગ્યાએ મૂકવા અંગેનું માર્ગદર્શન આપ્યું હતું.
સંસ્થાના પ્રતિનિધિ દ્વારા જણાવ્યું હતું કે, શેહરી વિસ્તારમાં ઉંચી ઈમારતો, વૃક્ષોની ઘટતી સંખ્યા, ઇલેક્ટ્રિક સાધનોના વધુ પડતા વપરાશને કારણે ઉત્પન્ન થતા રેડીએશન, રાસાયણિક ખાતરનો વધેલ વપરાશ જેવા અનેક પરિબળોને કારણે ચકલીઓની સંખ્યામાં નોંધ પાત્ર ઘટાડો જોવા મળ્યો છે. વધુમાં તેમણે જણાવ્યું કે પર્યાવરણનું સંરક્ષણ અને સંવર્ધન એ આપણા સૌની સહિયારી જવાબદારી હોઈ આવા કાર્યક્રમો ફક્ત સ્વૈચ્છિક સંસ્થાઓ પૂરતા માર્યાદિત ન રાખતા તેને સરકાર, કોર્પોરેટ ક્ષેત્ર, લોક સમુદાયો તથા વ્યક્તિગત પ્રયત્નો સાથે સાંકળવા જોઈએ.
આ કાર્યક્રમને એક જ કલાકના સમયગાળામાં મળેલ યોગ્ય પ્રતિસાદને ધ્યાનમાં રાખી સંસ્થા દ્વારા આગામી સમયમાં પણ આ પ્રકારના વધુ કાર્યક્રમોનું આયોજન કરવાનું જણાવવામાં આવેલ છે.