તાજેતરમાં શરૂ થયેલ શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩ માં સરકારી વિનયન અને વાણિજ્ય કોલેજ થરાદ ખાતે એક નવતર પ્રવૃતિ તરીકે ગ્રંથપરિચય પ્રથમ મણકાનો આજરોજથી પ્રારંભ કરવામાં આવ્યો હતો, જેમાં દર મહિનાના છેલ્લા ગુરૂવારે ‘ગુરુસભા’ તરીકે નામાભિધાન કરેલ કાર્યક્રમ અંતર્ગત કોલેજમાં અભ્યાસ કરતા વિધાર્થીઓમાંથી કોઇ એક વિધાર્થી પોતાને ગમતા પુસ્તકનો પરિચય આપશે અને તે પછી એ જ દિવસે કોલેજના સ્ટાફમિત્રોમાંથી ક્રમશ: કોઇ એક પુસ્તકનો પરિચય આપશે. જે પૈકી આજરોજ ગ્રંથપરિચય કાર્યક્રમના પ્રથમ મણકામાં કોલેજના બી.એ સેમ-૩ ના વિધાર્થિની રંજુલા ચૌહાણે રોહિત શાહ લિખિત પુસ્તક “ જિંદગીના મિલેગી દોબારા” નો પરિચય કરાવ્યો હતો જ્યારે કોલેજ સ્ટાફ વતી સદર કોલેજના આચાર્ય ડૉ.એમ.જે.મનસુરીએ બાંગ્લાદેશની ગ્રામીણ બેન્કના સ્થાપક અને નોબેલ પારિતોષિક વિજેતા અર્થશાસ્ત્રી ડૉ.મુહમ્મ્દ યુનુસની આત્મકથાનો હેમંતકુમાર શાહે અનુવાદ કરેલ પુસ્તક “વંચિતોના વાણોતર”નો પરિચય આપી ‘ગરીબી વિનાના વિશ્વ’ ની કલ્પના તેમજ “ગરીબોના બેન્કર” તરીકે ઓળખાતા બાંગ્લાદેશી અર્થશાસ્ત્રી ડૉ.મુહમ્મ્દ યુનુસના વિચારોને ઉજાગર કર્યા હતા. પ્રસ્તુત પ્રવૃત્તિના કો-એર્ડીનેટર અને ગુજરાતી વિભાગના અધ્યક્ષ ડો. રતિલાલ કા. રોહિતે આ કાર્યક્રમનું આયોજન તથા સંયોજન કર્યું હતું તથા વિદ્યાર્થીઓ વિવિધ પુસ્તકોથી પરિચિત થાય અને પોતે વાંચેલ પુસ્તકનો પરિચય આપતા શીખે તથા વિશિષ્ટ પુસ્તકોના વાંચન તરફ વળે એવા ઉદ્દેશ સાથે પ્રસ્તુત પ્રવૃત્તિનો આરંભ કરવામાં આવ્યો હોઈ પ્રસ્તુત કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં.
અહેવાલ : અરવિંદ પુરોહિત, થરાદ