બાંધકામના મટીરીયલ, કારીગરો અને મજૂરીના ભાવમાં થયેલા અસહ્ય વધારા બાદ એસોસિએશનનો નિર્ણય
ગુજરાત રાજ્યમાં ચાલતા સરકારી કામોના બાંધકામમાં વપરાતા સ્ટીલ, સિમેન્ટ, ડામર, રેતી, કપચી અને ઈંટો સહિતના મટીરીયલ તેમજ ટ્રાન્સપોર્ટેશન તેમજ અન્ય બિલ્ડીંગ મટીરીયલ તથા કારીગરો અને મજૂરીના ભાવમાં થયેલા અસહ્ય ભાવવધારા તથા કોન્ટ્રાક્ટરના અન્ય પ્રશ્નો તેમજ તેના નિરાકરણ બાબતે ભાવનગર કોન્ટ્રાક્ટર્સ એસોસિએશન દ્વારા આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી.
ગુજરાત સરકારમાં જુદા જુદા સરકારી વિભાગો નગરપાલિકાઓ તેમજ અન્ય વિભાગમાં કોન્ટ્રાક્ટરો વર્ષોથી બાંધકામ ક્ષેત્રે જૂના ભાવે કામ કરી રહ્યા છે તાજેતરમાં ગુજરાત રાજ્યમાં બાંધકામ ક્ષેત્રે વપરાતા સ્ટીલ સિમેન્ટ ડામર રેતી કપચી ઈંટો સહિતના અન્ય બિલ્ડીંગ મટીરીયલ તેમજ ટ્રાન્સપોર્ટેશન તથા કારીગરો અને મજૂરીના ભાવમાં અંદાજે 30થી 40 ટકા જેટલો વધારો થયો છે. જેથી ચાલુ કામો કોન્ટ્રાકટરો દ્વારા જૂના ભાવે પૂરા કરવા શક્ય નથી. ગુજરાત કોન્ટ્રાક્ટર્સ એસોસિયેશનના પ્રતિનિધિઓએ ગુજરાત સરકારના માર્ગ અને મકાન વિભાગના મંત્રીને તાજેતરમાં રૂબરૂ મળી રજૂઆત પણ કરી હતી.
જેમાં ભાવ વધારા અંગે તેમજ કોન્ટ્રાક્ટરોના પ્રશ્નો અંગે જણાવવામાં આવ્યું હતું તેમ છતાં સરકાર દ્વારા કોઈ હકારાત્મક પ્રતિભાવ ન મળતાં આ અંગે એસોસીએશનની મીટીંગ અમદાવાદ ખાતે યોજાઇ હતી. જેમાં ગુજરાત રાજ્યમાં બાંધકામ ક્ષેત્રે વપરાતી ચીજ વસ્તુઓ તેમજ કારીગરોની મજૂરીના ભાવમાં થયેલો અસહ્ય વધારો, આયાતી ડામર વપરાશ માટે નવા જીઆર અંગે, સ્ટાન્ડર્ડ બિડિંગ ડોક્યુમેન્ટનો અમલ કરાવવા બાબત, ટેન્ડરોની કિંમત જીએસટી સિવાયની કરવા બાબત, ચાલુ કામોમાં જીએસટી વધારાની ભરપાઈ, શેડ્યુલ ઓફ રેઇટસ અપડેટ કરવા તેમજ અન્ય પડતર પ્રશ્નોના નિરાકરણનો સમાવેશ થાય છે.
આ પ્રશ્નો અંગે જો સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવે તો તેના પહેલા તબક્કામાં તમામ કોન્ટ્રાક્ટરો 8 જાન્યુઆરીથી રાજ્યના તમામ વિભાગોના ટેન્ડર પ્રક્રિયાથી અલિપ્ત રહેશે એવું સર્વાનુમતે ઠરાવાયું છે અને તેમ છતાં કોઇ અમલ ન આવે તો બીજા તબક્કામાં ગુજરાત રાજ્યના તમામ સરકારી કામ બંધ કરવાની વિચારણા કરવામાં આવી હતી. જિલ્લામાં બાંધકામ ક્ષેત્રે ચાલતા કામો થઇ જશે તો વિકાસ અટકી જશે તેમજ બેકારી વચ્ચે આથી અન્યાયપૂર્ણ માંગણી અંગે યોગ્ય નિર્ણય લેવા ભાવનગર જિલ્લા કોન્ટ્રાકટર્સ એસોસિએશન દ્વારા અનુરોધ કરાયો છે.