- જિલ્લા પંચાયતના માસિક અને વાર્ષિક ખર્ચના હિસાબો સમિતિએ પેન્ડિગ રાખ્યા
- જેસીબી પાછળ રૂ.20 લાખનો ખર્ચ કરાતાં કારોબારી સમિતિએ હિસાબ માગ્યો, ખર્ચ મંજૂર ન કરાયો
જિલ્લા પંચાયતની કારોબારી સમિતિની બેઠકમાં અધ્યક્ષ સ્થાનેથી સરહદ પર ફરજ દરમિયાન શહીદ થયેલા આર્મી જવાનના પરિવારને જિલ્લા પંચાયતના સ્વભંડોળમાંથી રૂ 1.51 લાખ સહાય ફંડ આપવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો. સફાઈમા મોટો ખર્ચ કરવા છતાં સફાઈની યોગ્ય કામગીરી થતી નથી તેવી ફરિયાદ નાયબ ડીડીઓ દ્વારા જ થઈ હતી.
જિલ્લા પંચાયત ખાતે ચેરમેન દીપમાલાબેન ભાવિકભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને મળેલી કારોબારી સમિતીની બેઠકમાં સ્વભંડોળમાં રૂ.15 લાખ ઈમરજન્સી ફંડ માટે અનામત રાખવાનો મહત્વનો નિર્ણય લેવાયો હતો. જિલ્લા પંચાયતમાં સફાઈ માટે 10 માણસો રોકેલા છે અને દર મહિને રૂ.35,000 જેટલો ખર્ચ અપાય છે છતાં સફાઈની યોગ્ય કામગીરી થતી નથી જરૂર હોય તો મેનપાવર વધારો પરંતુ ગાર્ડન સહિતના સ્થળોએ યોગ્ય સફાઈ થાય તેવી વ્યવસ્થા કરવા ચેરમેને સૂચના આપી હતી.
જોકે, ડેપ્યુટી ડી.ડી.ઓ રીટાબહેન પંડ્યાએ તેમની ચેમ્બરમાં નિયમિત સફાઈ થતી ન હોવાની રજૂઆત કરતા સાફ-સફાઈનો મુદ્દો પેન્ડિંગ રાખ્યો હતો. જેસીબીના નિભાવ પાછળ રૂ.20 લાખનો ખર્ચ કરવા અંગે સદસ્ય ગોવિંદભાઈ માલધારીએ વાંધો ઉઠાવી કહ્યું કે રૂ.28 લાખ આસપાસ નવું જેસીબી આવે છે આટલો બધો ખર્ચ શા માટે. ફેબ્રુઆરી 2020થી ઓક્ટોબર 2021 સુધીના માસિક હિસાબ તેમજ જિલ્લા પંચાયતના 2019-20 અને વર્ષ 2020-2021 ના વાર્ષિક હિસાબો પેન્ડિંગ રાખ્યા હતા.
જ્યારે ઇજારદાર ઝેરોક્ષ એન્ડ સ્ટેશનરી ગાંધીનગરની એજન્સીની ટેન્ડર ડિપોઝિટની રકમ જપ્ત કરવા નિર્ણય કર્યો હતો. બેઠકમાં ડીડીઓ રમેશ મેરજા, સદસ્ય જીવણભાઈ આહીર, બાબુજી ઠાકોર, ભારતીબેન ચૌધરી, દિપકભાઈ પટેલ, આશાબેન ઠાકોર, તારાબેન પટેલ અને મધુબેન સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.