વિસનગરમાં ગર્ભવતી મહિલાને માર મારતાં સાસરિયાં વિરૂધ્ધ ફરીયાદ

0
110

વિસનગરના કાંસા એનએ વિસ્તારમાં રહેતી ગર્ભવતી મહિલાને તેના પતિ સહિત સાસરિયાંએ શારિરીક-માનસિક ત્રાસ આપી, પતિએ વાળ પકડી ઓટલા ઉપર પછાડતાં ગર્ભને હાનિ થવાને કારણે મહિલાને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.

આ મામલે વિસનગર શહેર પોલીસે પતિ, સાસુ અને બે નણંદ સહિત ચારેય સાસરિયાંની ધરપકડ કરી છે. વિસનગર તાલુકાના બેચરપુરા ગામની હેતલબેન રમણભાઇ સેનમાનાં લગ્ન ૧૦ મહિના અગાઉ વિસનગરના કાંસા એનએ વિસ્તારની વિજયનગર સોસાયટીમાં રહેતા સેનમા રવિ પુંજાભાઇ સાથે થયા છે.

લગ્નના ત્રણેક મહિના બાદ પતિ, સાસુ તેમજ નણંદો નાની-નાની વાતોમાં વ્હેણાં ટોણાં મારી ઝઘડો અને મારઝૂડ કરવાનું શરૂ કર્યું હતું. જેથી હેતલબેને પિયર જવાનું કહેતાં તેના પતિ દવા પીને મરી જવાની ધમકી આપતા હતા. દરમિયાન હેતલબેન ગર્ભવતી બની હતી. ગત ૧૭ ડિસેમ્બરે હેતલબેન સાથે ઝઘડો કરી તેના પતિ રવિએ વાળ પકડી ઓટલા ઉપર પછાડી હતી. જેથી તેના પિયરજનો તેણીને સાથે લઇ ગયા હતા.બીજા દિવસે પેટમાં દુઃખાવો ઉપડતાં હેતલબેનને ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં તબીબે તેમનો ગર્ભ બગડી ગયો હોવાનું તેમજ ગર્ભાશય સાફ કરાવવાનું કહેતાં સારવાર કરાવી હતી. બાદમાં વિસનગર સિવિલમાં સારવાર અર્થે દાખલ કરાયા હતા. હેતલબેને વિસનગર શહેર પોલીસ સ્ટેશનમાં પતિ, સાસુ અને નણંદ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here