વિસનગર તાલુકાના હસનપુર ગામે મંદિર આગળ છકડો મૂકવા બાબતે બોલાચાલી બાદ એક જ જ્ઞાતિના જૂથો વચ્ચે હથિયારો સાથે થયેલી અથડામણમાં ૧૦થી વધુને ઈજાઓ પહોંચી હતી.જેમાં છરાના ઘાથી ઈજાગ્રસ્ત એક યુવકનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. વિસનગર તાલુકા પોલીસ મથકે ૧૪ શખ્સો વિરુદ્ધ હત્યા સહિતની કલમો હેઠળ જ્યારે સામા પક્ષે ૭ શખ્સો વિરુદ્ધ મારામારી સહિતનો ગુનો નોંધાયો હતો.
વિસનગર તાલુકાના હસનપુર ગામે દેવીપૂજક વાસના નાકે આવેલા મેલડી માતાજીના મંદિરે ચૈત્રિ નિવરાત્રિના પ્રથમ નોરતે શનિવારે સાંજે આરતી કરીને દેવીપૂજક ડાહ્યાભાઈ, દેવીપૂજક ચુનાભાઈ વગેરે ત્યાં બેઠા હતા. દરમિયાન દેવીપૂજક કરણે મંદિર આગળ છકડો મૂકતાં ચુનાભાઈએ હમણાં થોડા દિવસ છકડો થોડો દૂર મુકવાનું કહેતાં તકરાર થઈ હતી અને ધર્મેન્દ્ર વગેરે પણ ત્યાં આવી ગયા હતા અને ચુનાભાઈને છરીથી ઈજા પહોંચાડી હતી. બાદમાં કરણ, ધર્મેન્દ્ર વગેરે ૧૪ શખ્સોએ હથિયારો સાથે ધસી જતાં મામલો બિચક્યો હતો અને બે જૂથો સામસામે આવી ગયા હતા. આ ઘટનામાં ૧૦થી વધુ લોકોને ઈજાઓ પહોંચી હતી. ઈજાગ્રસ્તોને વિસનગર સિવિલમાં અને ત્યાંથી વધુ સારવાર માટે મહેસાણા અને વડનગરની હોસ્પિટલોમાં ખસેડાયા હતા. જેમાં છરાના ઘા વાગવાથી ગંભીર ઈજાગ્રસ્ત મહેશભાઈ દશરથભાઈ દેવીપૂજક (ઉ.વ.૩૧)નું મોડી રાત્રે સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.
આ ઘટનામાં ડાહ્યાભાઈ ભાયચંદભાઈ દેવીપૂજકે વિસનગર તાલુકા પોલીસ સ્ટેશનમાં દેવીપૂજક દિપકભાઈ અશોકભાઈ, દેવીપૂજક ધર્મેન્દ્ર અરજણભાઈ, દેવીપૂજક કરણભાઈ સંજયભાઈ સહિત ૧૪ વિરુદ્ધ ઉપર મુજબ ફરિયાદ નોંધાવતાં પોલીસે હત્યા સહિતનો ગુનો નોંધ્યો હતો. સામા પક્ષે દેવીપૂજક અશોકભાઈ અરજણભાઈએ વિસનગર પોલીસ મથકે દેવીપૂજક મહેશભાઈ દશરથભાઈ, દેવીપૂજક વિષ્ણુભાઈ દશરથભાઈ, દેવીપૂજક ચુનાભાઈ ભાયચંદભાઈ સહિત ૭ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેમાં છોકરીની છેડતી બાબતે ઠપકો આપવા જતાં હુમલો કરી ઈજા પહોંચાડ્યાનું જણાવ્યું હતું.
source – nav gujarat samay
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper