યોગ્ય તપાસ ન થતી હોવાની નાયબ પોલીસ અધિક્ષકશ્રીને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરી
ગત તારીખ ૨૯/૦૪/૨૨ ના રોજ સવારમાં વાવ તાલુકાના ઢીમા ગામમાં આવેલી સંસ્કાર વિદ્યાલયમાં ચાલુ પરીક્ષાએ સ્કૂલમાં પ્રવેશી વિદ્યાર્થીને લોખંડના સળિયાથી જીવલેણ હુમલો કરી માર મારવાની ઘટના સામે આવી હતી, જે બાબતે ઈજાગ્રસ્ત વિદ્યાર્થીના વાલી અમીરામભાઈ હરસેંગભાઈ ઢેમેચાએ વાવ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી. જોકે ઘટનાને પાંચ દિવસ જેટલો સમય વીતવા છતાં આરોપી પોલીસ પકડથી દુર હોઇ પોલીસ શંકાના દાયરામાં આવી હોય તેમ લાગી રહ્યું છે, તેમજ મળતી માહિતી મુજબ વાવ તાલુકાના ઢીમા ગામમાં આવેલી સંસ્કાર વિદ્યાલયમાં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીઓની પંદર દિવસ પહેલાંની સામાન્ય બોલાચાલી બાબતે આરોપી કરશનજી રાજપુત તેના પુત્રનું ઉપરાળું લઈ આવી યોગેશભાઈ અમીરામભાઈ નામના વિધાર્થીને ચાલુ કલાસમાં ઘૂસી જઈ ઇજા પહોંચાડતા વધુ મારમાંથી ફરજ પરના હાજર શિક્ષક આર.એલ. માળીએ છોડાવતા પેપર છોડી યોગેશ ઘરે દોડી ગયો હતો. જ્યારે તેણે આ બાબતની વાત તેના પિતાને કરતા તેના પિતાએ વાવ પોલીસ મથકે કરશન સુજા રાજપુત વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. આ ઘટનાક્રમ બાદ વાવ પોલીસે માત્ર ઈ.પી.કો.કલમ-૩૨૩, ૨૯૪બી ૫૦૬(૨) મુજબ ગુન્હો નોંધી સંતોષ માની લીધો હતો જ્યારે ફરિયાદ પક્ષે ઇ.પી.કો.કલમ ૩૨૪, ૩૦૭નો ઉમેરો કરાવવા અને ફરિયાદીને ન્યાય મળે તે માટે તટસ્થ નિષ્પક્ષ તપાસ કરાવવા નાયબ પોલીસ અધિક્ષકશ્રી થરાદને ગત તારીખ ૨ મેના રોજ લેખિત રજૂઆત કરી હતી. ફરિયાદીએ કરેલી રજૂઆતમાં પોલીસ યોગ્ય તપાસ ન કરતી હોવાની અને આ કામના આરોપીએ ફરિયાદીના પુત્ર યોગેશને જાનથી મારી નાખવાના ઈરાદે લોખંડના સળિયાથી માથામાં સાત થી આઠ ઘા મારેલા પરંતુ ફરિયાદીના પુત્રએ સમય સૂચકતા વાપરતા છાતી અને હાથના ભાગે ઈજા થયેલ અને ફરિયાદીએ ફરિયાદ આપ્યા બાદ તેના પુત્રને માં હોસ્પિટલના ડૉ તેજસ પટેલને ત્યાં સારવાર આપેલી અને તારીખ ૨૯/૦૪/૨૦૨૨ ના રોજ સાંજે ત્યાં દાખલ કરેલ અને બીજા દિવસે તારીખ ૩૦/૦૪/૨૦૨૨ ના રોજ થોડી રાહત પડતા રજા આપી હતી, ફરિયાદીએ તેમની લેખિત રજૂઆતમાં જણાવ્યું છે કે વાવ પોલીસ યોગ્ય તપાસ કરતી ના હોઈ અમો અસંતુષ્ટ છીએ તેમજ પોલીસે ઈજા પામનાર સગીર છે તેમ કહી નિવેદન લેતાં ન હોઈ કે કલમ ઉમરો કરતા ન હોઇ તેમજ ઈજાપામનારના શર્ટ કબજે લેતાં ના હોઈ તેમજ આ ઘટનાને ચાર દિવસ જેટલો સમય વીતવા છતાં આરોપી પોલીસ પકડ થી દુર છે અને ગામમાં લોખંડ ની પાઈપ લઇ ફરી રહ્યો હોવા છતાં પોલીસ ધરપકડ કરતી નથી અને જેથી અમો ને ન્યાય મળે તેમ લાગતું નથી.
શાળાના સીસીટીવી કેમેરામાં કેદ થયેલ તમામ ઘટનાની સીડી પણ પોલીસ બનાવતી નથી, તેમજ આ સાથે સ્કૂલમાં હાજર મારા પુત્રના બાજુમાં બેસેલ વિદ્યાર્થીઓના નિવેદન લેતી નથી અને તટસ્થ તપાસ કરતીના હોઈ આ બાબતે નાયબ પોલીસ અધિક્ષકશ્રીને તેમના માર્ગદર્શન હેઠળ યોગ્ય તપાસ કરાવવા માંગ કરી છે, તથા ફરિયાદીએ યોગ્ય ન્યાય નહિ મળે તો અમારે મજબુર થઈ નામદાર કોર્ટના શરણે જવું પડશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. તેમણે વધુમાં આક્ષેપ કરતાં અરજીમાં જણાવ્યુ હતું કે આ કામનો આગામી ગુન્હાહિત ઈતિહાસ ધરાવે છે અને ઢીમાના બહુચર્ચિત એસ.કે.મર્ડર કેશનો મુખ્યઆરોપી હોઈ આ આરોપીથી અમને સતત ભય હોવાથી જો આ કામના આરોપી સામે કડક કાર્યવાહી કરવામાં નહિ આવે તો અમોને તથા અમારા પરિવારને જોખમ રહેલું છે અને પોલિસ રક્ષણ પૂરુ પાડવા પણ માંગ કરી છે સાથે જણાવ્યું છે કે જો ફરિયાદીના પરિવારને કંઈ પણ થયું તો તે માટે તંત્ર જવાબદાર રહેશે, અને આ બાબતે ન્યાયિક અને નિષ્પક્ષ તપાસ કરવા માંગ કરી હતી તેમજ યોગ્ય ન્યાય નહિ મળે તો નામદાર કોર્ટના દ્વાર ખખડાવી ન્યાય મેળવવાની ચીમકી ઉચ્ચારી હતી.
અહેવાલ : અરવિંદ પુરોહિત, બનાસકાંઠા.