વાહન ચાલકની આંખમાં મરચાની ભૂકી નાંખીને બેગ ઝૂંટવી બે લૂંટારુંઓ ફરાર થયા
શહેરના ઇન્કમટેક્સ પાસે થયેલી ફાયરિંગ વિથ લૂંટની ઘટના હજુ લોકો ભૂલ્યા નથી. ત્યાં વસ્ત્રાપુરમાં પણ લૂંટનો બનાવ સામે આવ્યો છે. રૂ. 5 લાખ 10 હજાર રોકડા લઈ અંધજન મંડળ પાસેથી પસાર થઈ રહેલા એક વાહન ચાલકની આંખમાં મરચાની ભૂકી નાંખીને બેગ ઝૂંટવી બે લૂંટારુંઓ ફરાર થઇ ગયા છે. આ અંગે વસ્ત્રાપુર પોલીસે 2 લૂટારું સામે ગુનો નોંધીને આસપાસના સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથ ધરી છે. જો કે, નજીકના સમયમાં ગુનેગારોને પકડી લેશે તેવો દાવો કર્યો છે.
જુહાપુરા મીમનગર વિસ્તારમાં રહેતો જાફર શેખ નારણપુરાના શાસ્ત્રીનગરમાં આવેલી એક્સપ્રેસ બીસ નામની કુરિયર કંપનીમાં છેલ્લા બે વર્ષથી સુપરવાઈઝર તરીકે કામ કરે છે. તેમજ છેલ્લા એક વર્ષથી કેશિયરનું પણ કામ સંભાળે છે. ઓફિસમાં ડિલિવરી બોય પાસેથી કેશ મેળવીને તે ગણતરી કરવા માટે કેશ ઘરે લઈ જાય છે. જેને બીજે દિવસે બેંકમાં ભરવાની હોય છે.
મંગળવારે મોડી રાત્રે ઓફિસના રૂપિયા 5 લાખ 10 હજાર બેગમાં મૂકીને 132 ફૂટ રિંગ રોડ પરથી ઘરે જઈ રહ્યો હતો. ત્યારે અંધજન મંડળની સામે આવેલી સમરસ હોસ્ટેલ પાસે રાત્રિમાં સવા અગિયાર વાગ્યાની આસપાસ એક સ્પ્લેન્ડર મોટર સાયકલ ચાલકે પાછળથી તેના એક્ટિવાને સામાન્ય ટક્કર મારી હતી. જોકે, ફરિયાદી યુવક પડતા પડતા રહી જતા તેણે એક્ટિવા ઊભું રાખી દીધું હતું.
આ બાઈક ચાલક એક્ટિવાની બ્રેક કેમ મારી તેમ કહીને બોલાચાલી કરવા લાગ્યો હતો. એવામાં અન્ય એક શખસ ચાલતો ચાલતો આવ્યો હતો અને શું થયું, કેમ ઝઘડો છો કહીને ફરિયાદી યુવકની આંખમાં મરચાની ભૂકી નાંખી હતી. બાદમાં બંને શખસ ફરિયાદી પાસે રહેલા રૂપિયા ભરેલી બેગ છીનવીને ફરાર થઈ ગયા હતા. જોકે, આ અંગેની જાણ ફરિયાદીએ પોલીસને કરતા હાલતો વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધીને સમગ્ર મામલે વધુ તપાસ શરૂ કરી છે.