એક તરફ પાણી વિના પંથકના ખેડૂતોના પાક સુકાઈ રહ્યાં છે બીજી તરફ કેનાલો ઓવરફ્લો થઈ રહી છે ધરતીપૂત્રોનો નર્મદા નિગમના અધિકારીઓ સામે રોષ
પાટણ જિલ્લામાં રાધનપુર તાલુકાના કેટલાક ગામો આજે પણ નર્મદાના પાણીથી વચિંત છે. જ્યારે કેટલાક ગામોમાં નર્મદા વિભાગ દ્વારા કરોડોનો ખર્ચ કરી નર્મદાની કેનાલ બનાવવામાં આવી છે. પરંતુ કેનાલમાં પાણી છોડવામાં ન આવતું હવાથી કેનાલો પાણી વગર માત્રને માત્ર શોભાના ગાંઠીયા સમાન બની છે. તો બીજી તરફ જ્યા પાણી છોડવામાં આવી રહ્યુ છે ત્યા નર્મદા નિગમની ઘોર બેદરકારીના કારણે કેનાલો ઓવરફ્લો થઈ રહી છે. ત્યારે રાધનપુરના અમીરપુરા નજીક કેનાલ ઓવરફ્લો થતા પાણીનો વેડફાટ થયો હતો.
એક તરફ ખેડૂતોના પાક સુકાઈ જતા ખેડૂતો નર્મદા વિભાગ પાસે પાણીની માંગણી કરી રહ્યાં છે. ત્યારે બીજી તરફ નર્મદા નિગમની ઘોર બેદરકારીને કારણે કેનાલો ઓવરફલો થઈ રહી છે. જેને કારણે પાણીનો વેડફાટ થતો જોવા મળી રહ્યો છે.રાધનપુર તાલુકાના અમીરપુરા અને કુંતાસરી ગામ નજીક પસાર થતી નર્મદા કેનાલમાંથી પાણી ઓવરફલો થતા હજારો લીટર પાણી બિન જરૂરી વહેતું જોવા મળ્યું હતું. આમ રાધનપુર તાલુકામાં પસાર થતી કેનાલોમાં વારંવાર ગાબડાઓ પડવાનો તેમજ કેનાલો ઓવરફ્લો થવાનો સીલસીલો યથાવત રહેતા ખેડૂતો નર્મદા નિગમના અધિકારીઓ પર રોષે ભરાયા છે.