જિલ્લામાં પ્રતિ કિલોએ લીંબુનો ભાવ રૂ.240એ પહોંચ્યા છે. ચાલુ વર્ષે વાતાવરણની અસ્થિરતાના કારણે જિલ્લામાં લીંબુના ઉત્પાદનમાં 40 ટકા જેટલી ઘટ જોવા મળી રહી છે.
મહેસાણા જિલ્લામાંથી 1.87 લાખ મેટ્રિક ટનનું ઉત્પાદન
આંધ્રપ્રદેશ અને કર્ણાટકથી આવતાં લીંબુ મોંઘાં બની રહ્યા છે. રાજ્યમાં લીંબુના 48 હજાર હેક્ટરના વાવેતર સામે મહેસાણા જિલ્લામાં 13298 હેક્ટર વાવેતર છે. જે રાજ્યના કુલ વિસ્તારનો 27% હિસ્સો છે. જ્યારે રાજ્યમાં વાર્ષિક 6.25 લાખ મેટ્રિક ટન ઉત્પાદન સામે 1.87 લાખ મેટ્રિક ટન ઉત્પાદન મહેસાણા જિલ્લામાંથી મળે છે. જે રાજ્યના કુલ ઉત્પાદનનો 30% હિસ્સો છે. તેમ છતાં જિલ્લામાં પ્રતિ કિલો લીંબુનો ભાવ રૂ.240એ પહોંચ્યો છે.
આંધ્રપ્રદેશ અને કર્ણાટકથી લીંબુ આવતા હોવાથી ભાવમાં વધારો
ચોમાસા બાદ વાતાવરણમાં અસ્થિરતા સર્જાતા લીંબુ માટે લાગતાં ફૂલ ઓછા આવ્યા હોવાથી ઉત્પાદન પર 40 ટકાનો ઘટાડો રહેવાની શક્યતા છે. એટલે કે, ઉનાળામાં સામાન્ય રીતે મળતું 18750 મેટ્રિક ટનના ઉત્પાદન સામે ચાલુ વર્ષે11250 મેટ્રિક ટન મળે તેવો અંદાજ છે. વેપારી ભરત પટેલે જણાવ્યું કે, સ્થાનિક કક્ષાએ ઉત્પાદન ઓછું મળતા હાલ આંધ્રપ્રદેશ અને કર્ણાટકથી લીંબુ જિલ્લામાં આવી રહ્યાં છે. જેના કારણે લીંબુનો ભાવ આસમાને પહોંચ્યો છે.ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં સામાન્ય સ્થિતિએ ઉનાળામાં લીંબુનો ભાવ રૂ.150ની આસપાસ રહેતો હોય છે. જ્યારે ચાલુ વર્ષે રૂ.240ના ભાવે 1 કિલો લીંબુ મળી રહ્યા છે.
Source – divya bhaskar