પાટણ યુનિ.માં આવેલ SBI શાખામાંથી બચત રકમ ઉપાડી અમદાવાદ પહોંચ્યા બાદ રિક્ષામાં બેસી ઘરે જતાં બનેલી ઘટના
હેમચંદ્રાચાર્ય યુનિવર્સિટીમાં તાજેતરમાં નિવૃત થયેલ જ મુખ્ય હિસાબી અધિકારી પાટણમાંથી ફરજની બચત રકમ 7 લાખ ઉપાડી અમદાવાદ ખાતે ઘરે જઈ રહ્યા હતા.તે દરમ્યાન રિક્ષામાં બેઠેલા બે શખ્સો એ નજર ચુકવી થેલામાં મુકેલ રૂ.7 લાખ કાઢી લીધા હોવાની પોલીસ ફરિયાદ નોંધાઇ છે.
યુનિવર્સિટીમાંથી એકાઉન્ટ ઓફિસરની ફરજમાંથી નિવૃત થતા એ.આર.મકવાણા હાલમાં અમદાવાદ ખાતે સાબરમતી વિસ્તારમાં રહે છે. પાંચ દિવસ અગાઉ ફરજ નિવૃત બાદ યુનિવર્સિટી કેમ્પસમાં આવેલ એસબીઆઈ શાખામાં તેમના ખાતામાં પડેલ રૂ.7 લાખ કામ અર્થે ઉપાડી પાટણથી અમદાવાદ ખાતે પરત ઘરે જઈ રહ્યા હતા. ચાંદખેડા ઉતર્યા બાદ ઘરે જવા રિક્ષામાં બેઠાં હતાં. તે સમયે રિક્ષા બેઠેલા અન્ય બે અજાણ્યા યુવાનોએ તેમને વાતોમાં વાળી નજર ચૂકવી બાજુમાં હાથમાં પકડેલા થેલામાં રહેલા રૂપિયા 7 લાખની રકમ કાઢી લીધી હતી. ત્યારબાદ રિક્ષામાંથી ઉતરી થોડું ચાલતાં થેલામાંથી પૈસા ચોરી થયા હોવાનું માલુમ પડતા અમદાવાદ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હોવાનું તેમને જણાવ્યું હતુ.