મેવડ પાસેથી શંકાસ્પદ ડીઝલનો જથ્થો ઝડપાયો

સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે જય ગોગા બાયોડીઝલ પમ્પે રેડ કરીને ~ 66 લાખના મુદ્દામાલ સાથે 9ને પકડ્યા

0
537

– મહેસાણા-અમદાવાદ હાઈવે પર મેવડ ગામની સીમમાં જયગોગા ડીઝલ પમ્પના નામે ભેળસેળ યુક્ત જ્વલનશીલ પ્રવાહીના સંગ્રહ-વેચાણની પ્રવૃત્તિ પર સ્ટેટ મોનીટરિંગ સેલની ટીમે સોમવારે સાંજે રેડ કરીને રૂ.૬૬ લાખનો મુદ્દામાલ ઝડપી લઈ પકડાયેલા ૯ આરોપીઓ તેમજ આ જથ્થો પૂરો પાડનાર વોન્ટેડ ૨ મળીને કુલ ૧૧ શખ્સો વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવવા સહિતની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

જિલ્લાના મહેસાણા-અમદાવાદ હાઈવે પર શિવાલા સર્કલ નજીક મેવડ ગામની સીમમાં જય ગોગા ડીઝલ પમ્પના નામે દશરથભાઈ ઈશ્વરભાઈ પટેલ નામનો શખ્સ પોતે તથા પોતાના મળતીયા માણસો રાખી, બહારથી ટેન્કરોમાં ડીઝલના ભળતા નામે ભેળસેળયુક્ત જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી મંગાવી, તેનો સંગ્રહ કરી અલગ અલગ વાહનોમાં ભરી આપી વેચાણ કરાવતો હોવાની બાતમી સ્ટેટ મોનિટરિંગ સેલને મળી હતી. સ્ટેટ મોનિટરિંગ સેલના અધિક પોલીસ મહાનિર્દેશક નીરજા ગોટારું (IPS)ની સૂચનાથી સ્ટેટ મોનિટરિંગ સેલના નાયબ પોલીસ અધિક્ષક કે.ટી.કામરિયાના સીધા માર્ગદર્શન હેઠળ અને તેમની અધ્યક્ષતામાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે સોમવારે સાંજે આ જય ગોગા ડીઝલ પમ્પ (ગણેશ એન્ટરપ્રાઈઝ) ના સ્થળે રેડ કરી હતી.

જેમાં મુખ્ય આરોપી દશરથભાઈ ઈશ્વરભાઈ પટેલ સહિત કુલ ૯ આરોપીઓને ડીઝલના નામે ભળતા ભેળસેળયુક્ત જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી ૮૦૦૦ લીટર (કિં.રૂ.૬,૮૦,૦૦૦), ટેન્કર નં.MH-04-EL-5597માં રહેલ જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહી ૧૯,૨૧૦ લીટર (કિં.રૂ.૭,૨૯,૯૯૮૦), ડિસ્પેન્શર નંગ-૨, રબર પાઈપ નંગ-૨, ૧૦ મોબાઈલ, ૬ વાહનો, રોકડ રકમ મળી કુલ રૂ.૬૬,૦૦,૩૭૦નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા ૯ આરોપીઓ તેમજ ડીઝલના નામે ભળતા ભેળસેળયુક્ત જ્વલનશીલ પેટ્રોલિયમ પ્રવાહીનો જથ્થો પૂરો પાડનાર વોન્ટેડ ૨ આરોપીઓ મળીને કુલ ૧૧ આરોપીઓ વિરુદ્ધ તાલુકા પોલીસ મથકે ગુનો નોંધાવી આગળની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

source – nav gujarat samay

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here