મહિલા કોન્સ્ટેબલના નિવેદન બાદ કોન્સ્ટેબલ રાશિદ શેખ સામે ગુનો નોંધી સકંજામાં લીધો
પોલીસ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતી મહિલાને તેની સાથે જ ફરજ બજાવતા કોન્સ્ટેબલે જાતીય સતામણી કરી બદનામ કરવાની ધમકી આપતાં મામલો પોલીસ મથક સુધી પહોંચ્યો છે. એ-ડિવિઝન પોલીસમથકના પીઆઇ સી.જી.જાેશીએ જણાવ્યું હતું કે રામનાથપરા પોલીસલાઇનમાં રહેતા અને ટ્રાફિક-પોલીસ તરીકે ફરજ બજાવતા કોન્સ્ટેબલ રાશિદ બસીર શેખના ક્વાર્ટરમાંથી ટ્રાફિક-પોલીસમાં ફરજ બજાવતી મહિલા કોન્સ્ટેબલ રહસ્યમય રીતે બેભાન હાલતમાં મળતાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાઇ હતી. અગાઉ ભાવનગરની યુવતીને ભગાડવાના બનાવમાં અગાઉ કોન્સ્ટેબલ રાશિદ સંડોવાયો હોઈ, તેણે મહિલા કોન્સ્ટેબલને ગળાટૂંપો આપ્યો કે આપઘાતનો પ્રયાસ કર્યો એ અંગે પોલીસલાઇનમાં ચર્ચાઓ શરૂ થઇ હતી. મહિલા કોન્સ્ટેબલના જણાવ્યા મુજબ, તે અને રાશિદ ટ્રાફિક શાખામાં ફરજ બજાવતાં હોવાથી બંને વચ્ચે પરિચય હતો.
રાશિદે કચેરીમાંથી જ પોતાના મોબાઇલ નંબર મેળવ્યા હતા. બાદમાં તે અવારનવાર પોતાને રિંગ કરી તેની સાથે વાત કરવા દબાણ કરતો હતો. એટલું જ નહિ, રોલકોલમાં પણ તે વાત કરવાનો પ્રયાસ કરતો હતો. એક વખત રાશિદે પોતાને ઊભી રાખીને કહ્યું હતું, જાે તું મારી સાથે વાત નહિ કરે તો તારા પરિવારને બધી વાત કરી દેશે. સ્ટાફમાં તેમજ સમાજમાં બદનામ કરી મારી નાખવાની અને ચારિત્રહીનતાનું આળ મૂકી બદનામ કરી નાખવાની ધમકી આપી હતી. બે દિવસ પહેલાં બનેલા બનાવની ટ્રાફિક એસીપીને જાણ થતાં તરત કોન્સ્ટેબલ રાશિદ શેખની ટ્રાફિક શાખામાંથી હેડ ક્વાર્ટરમાં બદલી કરી દેવાઇ હતી. મહિલા કોન્સ્ટેબલના નિવેદન બાદ કોન્સ્ટેબલ રાશિદ શેખ સામે ગુનો નોંધી સકંજામાં લીધો છે.
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper