મહેસાણા શહેરમાં ૮ સિટીબસ ચલાવાઇ રહી છે. જેમાં મહિલાઓ અને દિવ્યાંગોને મફત મુસાફરી અને પુરુષ ટિકિટ આવક ઉપરાંત પ્રતિ કિમી રૂ. ૩૩.૫૧ લેખે નગરપાલિકા ગુરુકૃપા ટ્રાવેલ્સ એજન્સીને ચૂકવણું કરી રહી છે. જેમાં ગત ૫ સપ્ટેમ્બરથી ડિસેમ્બર સુધીના ૪ મહિનામાં ૧,૮૨,૫૭૨ કિલોમીટરના પેનલ્ટી કપાત બાદ રૂ. ૪૬,૦૬,૬૩૪ સ્વભંડોળમાંથી ચૂકવ્યા હતા અને ગત જાન્યુઆરીનું રૂ.૧૨,૧૬,૩૯૫નું બિલ ચૂકવણા પ્રક્રિયામાં છે. સરકારની સ્કીમ મુજબ પ્રતિ કિમી રૂ.૧૨.૫૦ પાલિકાને અનુદાન મળવાપાત્ર છે, પરંતુ શહેરી મિશન વિભાગે ૫ મહિનાનું અનુદાન આપ્યું નથી. જેને પગલે તાજેતરમાં નગરપાલિકા દ્વારા મુખ્યમંત્રી શહેરી બસ પરિવહન યોજના સુવિધાના સુધારા ઠરાવ મુજબ કુલ કિલોમીટરને ધ્યાને લઇ મળવાપાત્ર અનુદાન આપવા રજૂઆત કરાઇ છે.
જેમાં પ્રતિ દિન ૨૦૦ કિમી લેખે અનુદાન મળવાની સંભાવના હોવાનું નગરપાલિકાના સૂત્રોએ જણાવ્યું હતું. એક તરફ નગરપાલિકા સ્વભંડોળથી પ્રજાલક્ષી સેવાઓમાં ખર્ચ વધી રહ્યો છે, ત્યારે નગરપાલિકા સ્વભંડોળનું બેલેન્સ વધારવા આવકના નવા સ્ત્રોત ઉભા કરવા કોમર્શિયલ કોમ્પલેક્ષ સહિતના આયોજન કરી રહી છે. શહેરના ૧૦ રૂટમાં હાલ સિટીબસ ચાલે છે. જેમાં કયા સ્ટોપેજ ઉપર કયા નંબરની સિટીબસ કયા કયા સમયે આવશે તેનું સમયપત્રક સ્ટોપેજવાઇઝ કામચલાઉ તૈયાર કરી દેવાયું છે અને અઠવાડિયામાં ફાઇનલ તૈયાર કર્યા પછી દરેક સ્ટોપેજ ઉપર લગાવાશે. સિટી બસના કુલ ૭૫ સ્ટોપેજ છે અને સમયપત્રક આખરી થયે ડિઝિટલ સ્વરૂપે મોબાઇલ એપમાં અપલોડ કરાશે, જે શહેરીજનો મોબાઇલ એપથી સમય જાણી શકશે.મહેસાણા શહેરમાં સિટીબસ સેવા પાછળ નગરપાલિકાએ ૫ મહિનામાં રૂ.૫૮.૨૩ લાખ ખર્ચ સ્વભંડોળમાં પાડ્યો છે. બીજી બાજુ, શહેરી મિશન વિભાગે મળવાપાત્ર અનુદાનની કાણી પાઇએ ચૂકવી નથી. પરિણામે પાલિકાએ સ્વભંડોળ ખાલી કરવા સિવાય હાલ તો બીજાે કોઇ વિકલ્પ રહ્યો નથી.