મહેસાણાના આઈઇએલટીએસના પેપરોની લૂંટના પ્રકરણમાં બ્લૂડાર્ટ એક્સપ્રેસ લિમિટેડના એક ડ્રાઈવરની ધરપકડ કર્યા બાદ તેની પૂછપરછમાં પંજાબના શખ્સોની સંડોવણી બહાર આવી હતી. તેમજ તેમને પકડવા પોલીસે પંજાબમાં દરોડા પણ પાડ્યા હતા, પરંતુ તેઓ હાથ લાગ્યા નહોતા. આથી લૂંટમાં વપરાયેલી સ્કોર્પિયો કાર તેમના ઘરેથી પોલીસે કબજે કરી હતી. આ લૂંટમાં સંડોવાયેલા ત્રણ શખ્સો કેનેડા જવા માંગતા હતા, જેથી આઈઇએલટીએસની પરીક્ષા આપતા હતા. પરંતુ તેમાં પાસ થયા ન હોવાથી પેપરોની લૂંટનો કારસો રચ્યો હતો. આ ત્રણેય શખ્સોએ પેપરોની લૂંટ ચલાવી બ્લૂડાર્ટ એક્સપ્રેસ લિમિટેડના ડ્રાઇવરની મદદ લીધી હતી. જેને પકડ્યા બાદ પંજાબના ત્રણે શખ્સોએ પેપરના ફોટા પાડી પેપરના બંડલ રાજસ્થાનમાં સળગાવી નાખ્યાની હકીકત જાણવા મળી હતી.
હાલમાં ત્રણેય શખ્સો વિદેશ ભાગી ન જાય તે માટે લૂક આઉટ સર્ક્યુલર બહાર પાડવા તજવીજ હાથ ધરાઇ છે. મુખ્ય સુત્રધારની પત્ની કેનેડા હોવાથી તેને પણ કેનેડા જવું હતું. પરંતુ આઈઇએલટીએસની પરીક્ષા પાસ થતી ન હોવાથી પેપરોની લૂંટનો પ્લાન કર્યો હોવાનું બહાર આવ્યું છે.મહેસાણાના માલ ગોડાઉન રોડ પર સરદાર પટેલ વેપાર સંકુલમાંથી ગત ૧૦મી ફેબ્રુઆરીના રોજ બ્લ્યુડાર્ટ એક્સપ્રેસ લિ. કંપનીની ઓફિસમાંથી આઈઇએલટીએસના પેપરોની લૂંટની ઘટનામાં સંડોવાયેલા પંજાબના ૩ શખ્સો હાથ લાગ્યા નહોતા. જેથી તેઓ વિદેશ નાસી ન જાય તે માટે પોલીસે તેમની સામે લૂક આઉટ સર્ક્યુલર જારી કરવા કવાયત હાથ ધરી છે અને તેના માટે ત્રણેય લૂંટારૂઓના પાસપોર્ટની વિગતો મેળવવા કાર્યવાહી હાથ ધરાઇ છે.