– ભાભરના ખારી પાલડી ગામે રહેતા ઠાકોર પરીવારના 22 વર્ષના એક યુવકને ટ્રેકટર લઈ મજૂરી કરવાના બહાને પાલનપુર બોલાવી તેની હત્યા કરી મૃતદેહને જમીનમાં દાટી નાખ્યો હતો. જોકે યુવકની ગુમ થયાની ફરિયાદના આધારે તપાસમાં સમગ્ર ઘટના પ્રકાશમાં આવતાં શખ્સને ઝડપી લઈ સામે હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. તેમજ પોલીસે મૃતકનો નવ દિવસ બાદ મૃતદેહ બહાર કાઢી પી.એમ અર્થે ખસેડાયો હતો.
આ ચકચારી ઘટનાની વિગત એવી છે કે ભાભરના ખારી પાલડી ગામે રહેતા અને ખેત મજૂરી કરી પરીવારનું ગુજરાન ચલાવતા ચંદુજી તખાજી ઠાકોરના દિકરા મેહુલને ગત તા. 24 માર્ચના રોજ દિયોદરના નોખા ગામના કલ્પેશ ભુરાભાઇ રાજપૂતે ફોન કરી ટ્રેક્ટર લઇ પાલનપુર બોલાવ્યો હતો અને કહ્યું હતું કે, મારા જેસીબીથી રોડની સાઇડનું કામ ચાલુ છે. જેથી તને મહિને ૨૫ હજાર રૂપિયા આપીશ. જેથી મેહુલભાઇએ પોતાના પિતાને વાત કરી ટ્રેક્ટર લઇ પાલનપુર આવવા નિકળ્યો હતો. સાંજે મેહુલના પિતાએ મેહુલને ફોન કર્યો ત્યારે પાલનપુરના મોરિયા ગામે પહોંચ્યાનું જણાવ્યું હતું. જોકે, 25 માર્ચના રોજ ચંદુજી ઠાકોરે બપોરના સમયે તેમના પુત્રને ફોન કરતાં મોબાઇલ સ્વિચ ઓફ આવ્યો હતો. આથી કલ્પેશ રાજપૂતને ફોન કરતાં તેણે જણાવ્યું હતું કે તા.24 માર્ચના રોજ રાત્રિના સમયે પાલનપુરથી નિકળી ગયો હતો. જોકે, મેહુલ ઘરે ન પહોચતાં શોધખોળ હાથ ધરી હતી.
પુત્રનો પત્તો ન લાગતાં તા.27 માર્ચ 2022ના રોજ પાલનપુર પશ્ચિમ પોલીસ મથકે ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે મેહુલની શોધખોળ હાથ ધરતાં જાણવા મળ્યું હતું કે કલ્પેશ ભુરાજી રાજપુતે મેહુલને પાલનપુર ટ્રેકટર ટોલી સાથે મજુરી કરવાના બહાને બોલાવી મેહુલને પાલનપુરથી રાજપુર પખાણવા ગામની સીમમા લઇ જઈ મારી નાખી જમીનમાં દાટી દઇ ટ્રેકટર ટોલી સાથે લુંટ કરી લઇ ગયો હોવાનું બહાર આવ્યું હતું. જેથી ચંદુજી ઠાકોરે કલ્પેશ રાજપુત વિરુદ્ધ ફરિયાદ નોંધાવતાં પોલીસે અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
source – nav gujarat samay