ઊંઝા તાલુકાના વરવાડા ગામના યુવાનને અજાણ્યા શખ્સને બાઇક પર લિફ્ટ આપવી ભારે પડી છે. લિફ્ટ લેનાર યુવાને પેશાબ કરવાના બહાને બાઇક ઊભું રખાવી ચપ્પુ મારી મોબાઇલની લૂંટનો પ્રયાસ કર્યો હતો. ઊંઝા પોલીસે અજાણ્યા શખ્સ સામે ખૂનની કોશિશ અને લૂંટ ગુનો નોંધી તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.ઊંઝા તાલુકાના વરવાડા ગામના હર્ષદપુરી ધનપુરી ગોસ્વામી બાઇક લઈ ઊંઝા સર્કલ નજીક આવતા અજાણ્યા 20થી 22 વર્ષના અજાણ્યા યેવક તેમની પાસે આવી મારી તબિયત ખરાબ છે મને પાટણ રોડ 624 વિસ્તાર સુધી લઈ જાઓ તેમ કહી લિફ્ટ માંગતાં હર્ષદપુરીએ લિફ્ટ આપી હતી.
જોકે, માર્ગમાં જય અંબે પાર્ટી પ્લોટ નજીક પેશાબ કરવાનું બહાનું કાઢી આ શખ્સે બાઇક ઊભું રખાવ્યું હતું અને હર્ષદપુરીને તારો મોબાઈલ ફોન મને આપી દે કહી ઓચિંતો પેટના ભાગે ચપ્પાનો ઘા માર્યો હતો અને બીજો ઘા મારે તે પૂર્વે જ હર્ષદપુરીએ તેનો હાથ પકડી લેતાં બચાવ થયો હતો. ચપ્પુ વાગવાથી પેટના ભાગે ગંભીર ઇજા થતાં હર્ષદપુરીને પાટણ ખાનગી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા.