રાત્રિના સમયે વડોદરાની વિજીલન્સ ટીમો ત્રાટકી
કચ્છની વીજ વર્તુળ કચેરીમાં વીજ લોસ ઘટાડવા અને ગેરકાયદે થતો વીજ વપરાશ રોકવા છેલ્લા કેટલાક સમયથી વિજીલન્સની ટીમો સક્રિય બની છે જેના ભાગ રૂપે પૂર્વ કચ્છની હાઇવે હોટેલો પર કરાયેલા ચેકિંગ દરમિયાન પાંચ સ્થળેથી કુલ્લ 28.27 લાખની વીજ ચોરી પકડી પાડવામાં આવી હતી.
જીયુવીએનએલ વડોદરાની વિજીલન્સ ટીમોએ બિપિન નાથાભાઇ સથવારાની ભચાઉ તાલુકાના કુંભારડી સ્થિત હોટલ આશાપુરામાંથી 13.30 લાખ, નવી દુધઇમાં હેમંતસિંહ નટુભા જાડેજાની હોટેલ અલ્લારખામાં 6 લાખ, ચાંદ્રાણીની કુંવરબેન ગોવિંદ હુંબલની ગ્રીન પ્લાઝામાંથી 1.15 લાખ, દુધઇ હાઇવે પર આવેલી જીતેન્દ્ર કેશવલાલ ઠક્કરની જલારામ હોટેલમાં 62 હજાર તેમજ અંજાર-મુન્દ્રા હાઇવે પર દિલુભાઇ નરપતસિંહ વાઘેલાની હોટેલ રામદેવ તુલીમાં 7.20 લાખ મળી કુલ્લ 28.27 લાખની વીજ ચોરી પકડી પાડી હતી. વીજ ચોરો સામે ફરિયાદ દાખલ કરવા પીજીવીસીએલના અધિકારીઓ દ્વારા તજવીજ હાથ ધરાઇ હતી.
જીયુવીએનએલના મુખ્ય તકેદારી અધિકારી અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન તળે કરાયેલી ચેકિંગ ડ્રાઇવમાં અધિકારીઓ અને પોલીસ કર્મચારીઓ જોડાયા હતા. રાત્રિ દરમિયાન હાઇવે હોટેલ અને ધાબા પર નિયમોને નેવે મૂકીને થતા વીજ વપરાશ પર રોક લગાવવા માટે વીજ કંપની દ્વારા ઝુંબેશ છેડાઇ છે જે આગામી સમયમાં પણ જારી રહેશે તેમ જણાવાયું હતું.