પાલનપુર જીડીમોદી કોલેજમાં મંગળવારે વિદ્યાર્થીઓના બે જૂથો વચ્ચે અથડામણ થતા એક વિદ્યાર્થીને ઇજા પહોંચી હતી. જેને તાત્કાલિક શહેરની ડોકટર હાઉસ વિસ્તારની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જે બાદ કોલેજમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ખડકી દેવાયો હતો.પાલનપુર જી ડી મોદી કોલેજમાં સોમવારે બે વિદ્યાર્થીઓ વચ્ચે કોઈ અંગત બાબતને લઈ ઝઘડો થયો હતો જેને લઇ મંગળવારે ઝઘડાની અદાવત ને લઇ વિદ્યાર્થીઓનું ટોળું કોલેજમાં ધસી આવ્યું હતું.જ્યાં વિદ્યાર્થીઓના હાથમાં તલવાર તેમજ છરી હોવાથી કોલેજમાં રહેલ વિદ્યાર્થીનીઓમાં ભાગ દોડ મચી હતી. જ્યાં સોમવારના દિવસે થયેલ ઝઘડો કરેલ વિદ્યાર્થી ન મળતા આવેલ ટોળાએ તેની શોધખોળ કરી હતી પરંતુ ઝઘડાના સમયે જે મિત્ર હાજર હતો તે પરીક્ષા આપી બહાર આવતો હતો તેને આ ટોળાએ જોઈ જતા તેને ઝડપી લઇ હુમલો કર્યો હતો તેમજ તેને જાનથી મારી નાખવાની કોશિશ કરતા વિદ્યાર્થીના હાથે છરીના ઘા વાગતા આંગળીઓ ચીરાઈ ગઈ હતી.
કોલેજમાંથી કોઈએ પોલીસને જાણ કરતાં તાત્કાલિક એલસીબી, એસઓજી સહિતની પશ્ચિમ પોલીસ મથકનો સ્ટાફ દોડી આવતા હુમલાખોરો ભાગી ગયા હતા. જે બાદ કોલેજમાં પોલીસ સ્ટાફ ખડકી દેવાયો હતો.જોકે વિદ્યાર્થીને હાથના ભાગે ઇજા હોવાથી તેને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે કોલેજ સંચાલકોની પ્રતિક્રિયા જાણવાની કોશિશ કરતા કેમ્પસ ડાયરેક્ટર અપૂર્વ મહેતાએ ફોન ઉપાડવાનું ટાળ્યું હતું.
વિદ્યાર્થીઓ ટોળું જોઈને ભાગી ગયા હતા
પાલનપુર જી ડી મોદી કોલેજ ખાતે મંગળવારે આવેલ ટોળાના હાથમાં હથિયારો જોઈને અભ્યાસ અર્થે આવેલા વિદ્યાર્થી- વિદ્યાર્થીનીઓ ભાગી ગયા હતા.જોકે પોલીસ આવી જતાં તમામ વિદ્યાર્થીઓએ હાશકારો અનુભવ્યો હતો.
ઝઘડાની અદાવત રાખી મારી ઉપર હુમલો
પાલનપુર જી. ડી. મોદી કોલેજમાં એસ.વાય. બી. એ.માં અભ્યાસ કરતાં મારા મિત્રને સોમવારે ઝઘડો થયો ત્યારે હું તેની સાથે હતો. દરમિયાન તેની અદાવત રાખી જગાણાના સુમિત ચૌધરી તેમજ રાહુલ ચૌધરી સહિત છ અન્ય શખ્સોએ મંગળવારે કોલેજમાં આવી મારી ઉપર હૂમલો કર્યો હતો. આ અંગે મે પાલનપુર પોલીસ મથકે ફરિયાદ નોંધાવવાની તજવીજ હાથ ધરી છે.-હિમાલય ભાટીયા (ઇજાગ્રસ્ત છાત્ર, કુંભલમેર, તા. પાલનપુર)
હાલમાં કોલેજમાં પરીક્ષા ચાલે છે
પાલનપુરની કોલેજ ખાતે વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા આવતા હોય છે જો કે જે સમયે ટોળાએ હુમલો કરવા આવ્યા તે સમયે મોટા ભાગના વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હતા જેને લઇ મોટો હુમલો થતાં રહી ગયો હતો.
Source – divya bhaskar