પાટણ નગરપાલિકા ખાતે પાલિકાનું વર્ષ ૨૦૨૨-૨૦૨૩નું રૂ. ૧.૭૫ કરોડનું પુરાંતવાળુ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. પાલિકા ખાતે કારોબારી ચેરમેન અરવિંદ પટેલની અધ્યક્ષતામાં કારોબારી સમિતિની બેઠક મળી હતી. જેમાં વર્ષ ૨૦૨૨-૨૩ના બજેટ અંગે ચર્ચા વિચારણા કરી ૧૫ કરોડની ખાદ્યવાળુ બજેટ હોય ખર્ચ સરભર કરી ભવિષ્યમાં થનારી આવકો અંદાજીને રૂા.૧.૭૫ કરોડનું પુરાંતવાળુ બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત એજન્ડાના કામો જેમાં કર્મભુમી સોસાયટી પાસેની ખુલ્લી જગ્યાની સફાઇ કરાવીને વૃદ્ધોને બેસવા માટે બ્લોક પેવીંગ કરાવી બાંકડા મુકવા, ટેલીફોન એક્સચેન્જથી જીવનધારા સોસાયટી સુધી નવો રોડ બનાવવા, સિદ્ધી સરોવરમાં ખુલ્લી કેનાલ મારફત આવતું નર્મદાનુ પાણી દુષિત ન થાય તે માટે અન્ડર ગ્રાઉન્ડ કરવાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત કર્મભુમી સોસાયટી પાસે ઉભરાતી ભુગર્ભ ગટર લાઈનની સમસ્યા ઉકેલવા, નવીન પાઇપ લાઈન નાંખવા, નગરપાલિકાની માલીકીની તમામ દુકાનોનું ભાડુ જે ૧૦ તારીખ પછી ભરવા માટે આવે તેમની પાસેથી શિક્ષાત્મક ભાડુ રૂ.૨૫૦ પ્રમાણે વસુલ કરવાનું પણ જણાવાયું છે.
તેમજ દકુાનના ભાડા પટ્ટો રીન્યુ કરવાની મુદ્દત પુર્ણ થયા બાદ રીન્યુ કરવા આવનારા ભાડુઆત પાસેથી રૂા. ૨૦ ના બદલે રૂ. ૫૦૦ માસિક રકમ વસુલવાનું આયોજન કરાયું છે. આ ઉપરાંત આ બેઠકમાં ૧૫માં નાણાપંચની પ્રથમ હપ્તાની વર્ષ ૨૦૨૧-૨૨ની ટાઇડ ગ્રાન્ટ કુલ રૂ. ૧,૬૧,૬૭,૪૧૩ માંથી ૫૦ ટકાના કામો માટે રૂ. ૧૩,૯૦,૫૯૮ અને રૂ. ૧,૪૭,૭૬,૮૧૫ માંથી ૫૦ ટકા ગ્રાન્ટ પાણી પુરવઠાના કામો માટે રૂા. ૭૩,૮૮,૪૦૮ અને ૫૦ ટકા ગ્રાન્ટ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ માટે રૂા. ૭૩,૮૮,૪૦૭ માંથી વિકાસના કામો તેમજ ૧૪માં નાણાપંચની ગ્રાન્ટમાંથી સ્ટ્રીટલાઇટના કામો નકકી કરવામાં આવ્યા હતા.