રાજ્યમાં હાલ કોરોનાની ત્રીજી લહેર બેકાબૂ બની ગઈ છે. મહામારીને નાથવા માટે સરકાર દરરોજ કોરોનાના કેસો, ટેસ્ટિંગ અને વેક્સિનેશનનું મોનિટરિંગ કરી રહી છે. તેમજ નિયંત્રણો પણ કડક કરવા લાગી છે. આજે રાત્રિ કર્ફ્યૂ સહિતના નિયંત્રણોની ગાઇડલાઇનની અવધિ પૂર્ણ થઈ રહી છે. રાત્રે 12 વાગ્યા બાદ નવી ગાઇડલાઇન લાગુ કરવામાં આવશે. સૌ કોઈ છેલ્લા બે દિવસથી નવી ગાઇડલાઇનની રાહમાં છે ત્યારે આજે છેલ્લા દિવસે નવી SOP જાહેર થવાની પ્રબળ શક્યતા છે. તેમજ આજથી 7 દિવસ સુધી એટલે કે 22 જાન્યુઆરી સુધી અંબાજી મંદિર ભક્તો માટે બંધ રાખવામાં આવશે.
નવી ગાઇડલાઇનમાં જ્યાં કેસો વધી રહ્યા હોય તેવા શહેરોનો પણ નાઇટ કર્ફ્યૂમાં ઉમેરો કરવામાં આવી શકે છે. તેની સાથે સાથે નાઇટ કર્ફ્યૂનો સમય પણ 10થી 6ને બદલે 9થી 6 વાગ્યાનો કરવામાં આવે એવી પુરી શક્યતા છે. બીજી લહેરમાં 2000 કેસ આવવા લાગતાં જ 4 મહાનગર અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટમાં રાતના 9થી સવારના 6 વાગ્યા સુધી નાઇટ કર્ફ્યૂ લાદી દીધો હતો, જ્યારે ત્રીજી લહેરમાં હવે 10 હજાર જેટલા કેસ આવી રહ્યા હોવાથી નાઇટ કર્ફ્યૂ રાત્રે 9થી સવારના 6 વાગ્યાનો થવાની શક્યતા છે.
ત્રીજી લહેરની પીક તૂટવાની તૈયારી
ઉત્તરાયણને પગલે ટેસ્ટિંગ કરાવનારા લોકોની સંખ્યા ઘટી હોય શકે, જેને કારણે 14 જાન્યુઆરીએ 10019 કેસ નોંધાયા હતા. પરંતુ હવે કેસોમાં મોટો ઉછાળો આવી શકે. માત્ર એટલું જ નહીં, જો હવે 14,300થી વધુ કેસ નોંધાશે તો બીજી લહેરની પીક પણ તૂટી જશે.
10 શહેરમાં રાત્રિ કર્ફ્યૂ- રાત્રે 10થી સવારે 6 સુધી
અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ભાવનગર, જામનગર, જૂનાગઢ, ગાંધીનગર તથા હવે આણંદ અને નડિયાદમાં પણ રાત્રિ કર્ફ્યૂનો અમલ થશે.
તારીખ | કેસ | ડિસ્ચાર્જ | મોત |
1 જાન્યુઆરી | 1069 | 103 | 1 |
2 જાન્યુઆરી | 968 | 141 | 1 |
3 જાન્યુઆરી | 1259 | 151 | 3 |
4 જાન્યુઆરી | 2265 | 240 | 2 |
5 જાન્યુઆરી | 3350 | 236 | 1 |
6 જાન્યુઆરી | 4213 | 830 | 1 |
7 જાન્યુઆરી | 5396 | 1158 | 1 |
8 જાન્યુઆરી | 5677 | 1359 | 0 |
9 જાન્યુઆરી | 6275 | 1263 | 0 |
10 જાન્યુઆરી | 6097 | 1539 | 2 |
11 જાન્યુઆરી | 7476 | 2704 | 3 |
12 જાન્યુઆરી | 9941 | 3449 | 4 |
13 જાન્યુઆર | 11176 | 4285 | 5 |
14 જાન્યુઆરી | 10019 | 4831 | 2 |
કુલ | 75181 | 22289 | 26 |