કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ સીમા દર્શન પ્રોજેક્ટના લોકાર્પણ માટે નડાબેટ આવી પહોંચ્યા હતા. અહીં ૪૦ ફૂટની ઊંચાઈ પર ત્રિરંગો લહેરાવ્યા બાદ અમિત શાહ દ્વારા સીમા દર્શન પ્રોજેક્ટને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો. અમિત શાહ અને મુખ્યમંત્રીએ નડેશ્વર માતાજીના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા. રાષ્ટ્રના નાગરિકોને મા ભોમની રક્ષા માટે સતત ખડેપગે રહેનારા બી.એસ.એફ જવાનોની જીવનચર્યાને પ્રત્યક્ષ અનુભવવાની તક પ્રાપ્ત થાય તેમજ જવાનોની રહેણી-કરણી, ફરજાે અને દેશપ્રેમને રૂબરૂ નિહાળી શકે તેવા હેતુસર સીમાદર્શન કાર્યક્રમનો આજે દેશના કેન્દ્રીય ગૃહમંત્રી દ્વારા પ્રારંભ કરાયો છે. સીમાદર્શન પ્રોજેક્ટ અંતર્ગત રૂ. ૧૨૫ કરોડના ખર્ચે પ્રવાસીઓ માટે તમામ પ્રકારની સુવિધાઓ અને વિશેષ આકર્ષણો વિકસિત કરવામાં આવ્યા છે. પ્રવાસન વિભાગ દ્વારા બોર્ડર ટુરિઝમના વિકાસ માટે ‘ટી-જંક્શન’, ઝીરો પોઇન્ટ તથા ટી-જંક્શનથી લઇને ઝીરો પોઇન્ટ સુધીના રસ્તા પર વિવિધ વિકાસકાર્યો કરવામાં આવ્યા છે.
સીમાદર્શન ખાતે ફર્નિચર અને ઇન્ટિરિયર વર્ક સાથે ૩ આગમન પ્લાઝા-વિશ્રામ સ્થળ, પાર્કિંગ, ૫૦૦ લોકો માટેની બેઠક ક્ષમતા ધરાવતું ઓડિટોરિયમ, ચેન્જિંગ રૂમ, સોવેનિયર શોપ, ૨૨ દુકાનો અને રેસ્ટોરન્ટ્સ, ‘સરહદગાથા’ પ્રદર્શન કેન્દ્ર અને મ્યૂઝિયમ, ડેકોરેટિવ લાઇટિંગ, સોલાર ટ્રી તેમજ સોલાર રૂફટોપની સુવિધાઓ વિકસિત કરાઈ છે. આ ઉપરાંત, રિટેનિંગ વોલ, બીએસએફ બેરેક તથા પીવાના પાણી અને ટોયલેટ બ્લોકની સુવિધાઓ, ૫૦૦૦ લોકોની ક્ષમતાવાળું પરેડ ગ્રાઉન્ડ, એક્ઝિબિશન સેન્ટર, પાર્કિંગ સુવિધા, સાઉન્ડ સિસ્ટમ, બાળકોને રમવા માટે વિવિધ પ્રવૃત્તિઓ, બીએસએફના જવાનો માટે રોકાણની સુવિધા અને સરહદ સુરક્ષાની વિશિષ્ટ પ્રતિકૃતિ સમાન ગેટનું નિર્માણ કરાયું છે. રાષ્ટ્રની રક્ષા કાજે પોતાના પ્રાણોની આહૂતિ આપનાર વીર સૈનિકોની સ્મૃતિમાં ‘અજય પ્રહરી’ સ્મારકનું નિર્માણ કરાયું છે તેમજ ૪૦ ફૂટની ઊંચાઈ પર ત્રિરંગો લહેરાવવામાં આવ્યો છે.
પ્રવાસીઓ ભારત-પાકિસ્તાન બોર્ડરનો નજારો જાેવાનો રોમાંચક અનુભવ પણ કરી શકે તે માટે બીએસએફ દ્વારા બીટિંગ રિટ્રીટ સમારોહનો પણ આરંભ કરાયો છે. જવાનોના શૌર્યથી ભરપૂર દ્રશ્યોને જાેઇને પ્રવાસીઓના દિલમાં જવાનો પ્રત્યે અનોખા ગર્વ અને શ્રદ્ધાની લાગણી પેદા થશે, પ્રવાસીઓને નડાબેટમાં ભારતીય સેના અને બીએસએફના હથિયારો જેવા કે, જમીનથી જમીન પર અને જમીનથી હવામાં વાર કરનારી મિસાઇલ્સ, ટી-૫૫ ટેંક, આર્ટિલરી ગન, ટોરપીડો, વિંગ ડ્રોપ ટેંક તથા મિગ-૨૭ એરક્રાફ્ટને જાેઇ શકે તેવી વ્યવસ્થાનો પણ પ્રારંભ કરાયો છે.નડાબેટ સીમાદર્શન પ્રોજેક્ટ દેશમાં બીએસએફનો પ્રથમ અત્યાધુનિક પ્રોજેક્ટ છે, જે બીએસએફના ઉદભવ, વિકાસ અને યુદ્ધોમાં તેની ભૂમિકા તેમજ સિદ્ધિઓ સહિત દેશ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા વીરોની ગૌરવગાથાઓનું સચિત્ર દર્શન કરાવશે જેનું ઉદઘાટન આજે દેશમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે કરવામાં આવ્યું છે.
બનાસકાંઠા જિલ્લાના નડાબેટ ખાતે ૧૨૫ કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સીમા દર્શન પ્રોજેક્ટનું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીની સાથે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ પણ હાજર રહ્યા હતા. વાઘા-અટારી બોર્ડરની માફક હવે લોકો અહીં સીમા દર્શન કરી શકશે અને સાથે બોર્ડર સિક્યુરિટી ફોર્સના જવાનોની કામગીરીથી પણ વાકેફ થઈ શકશે.
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper