બે દિવસ પહેલા મોટી મલુ ગામેથી એક આરોપીના ઘરમાંથી દેશી તમંચો ઝડપાયો હતો
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના કાકડખીલા ગામેથી એક ઈસમને ઘરે પોલીસે તપાસ હાથ ધરી હતી. જેમાં ગેરકાયદેસર દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો. પોલીસે તમંચો કિંમત રૂા. 5000ની સાથે ઈસમની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.ધાનપુર પોલીસને મળેલી બાતમીના આધારે કાકડખીલા ગામે મંદિર ફળિયામાં રહેતો રાજુભાઈ કાળુભાઈ ભુરીયાના રહેણાંક મકાનમાં પોલીસે ઓચિંતો છાપો માર્યો હતો. તેના મકાનની તલાશી હાથ ધરતાં મકાનને અડીને આવેલ ઢાળીયા (છાપરા)માં છતના ભાગે આવેલ લાકડાના વળામાં સંતાડીને રાખેલ ગેરકાયદે એક દેશી હાથ બનાવટનો તમંચો ઝડપાયો હતો.
ધાનપુરમાં ફરીથી દેશી તમંચો ઝડપાયો
5000ની કિંમતના તમંચા સાથે રાજુભાઈ કાળુભાઈ ભુરીયાને ઝડપી પાડી તેની વિરૂદ્ધ ધાનપુર પોલીસે ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે બે દિવસ પહેલા જ પોલીસે ધાનપુર તાલુકાના જ મોટી મલુ ગામેથી એક આરોપીના ઘરમાંથી પણ દેશી તમંચો ઝડપી પાડ્યો હતો. ત્યારે ગેરકાયદેસર હથિયારોનો વેપલો આ વિસ્તારમાં વિસ્તરી રહ્યો હોય તેમ લાગી રહ્યુ છે. ત્યારે આવા હથિયાર આવે છે ક્યાંથી અને તેની લે વેચ કયા હેતુથી થાય છે તે ગંભીર અને સંશોધનનો વિષય છે.