દેશમાં 2020માં 13.92 લાખ કેન્સરના નવા કેસ નોંધાયા: ગુજરાતમાં 69.66 હજાર

0
35

ગુજરાતમાં નોંધાતા કુલ કેન્સરમાં 21.5 ટકા પુરુષોને મોઢાનું કેન્સર અને સ્ત્રીઓમાં 31.2 ટકા સ્તનનું કેન્સર

ICMR (ઈન્ડિયન કાઉન્સિલ ફોર મેડિકલ રિસર્ચ)ના NCDIR(નેશનલ સેન્ટર ફોર ડિસીસ ઈન્ફર્મેટિવ એન્ડ રિસર્સ) વર્ષ 2021ના રિપોર્ટ પ્રમાણે દેશમાં વર્ષ 2020માં 13.92 લાખ કેસ નોંધાયા હતા. જેમાંથી ગુજરાતમાં 69.66 હજાર નોંધાયા હતા. દેશભરમાં સૌથી વધુ 3.77 લાખ કેન્સરના કેસ તમાકુના સેવનના કારણે થયા હોવાનું જણાયું છે. અમદાવાદ શહેરી કેન્સર રજીસ્ટ્રીના રિપોર્ટ પ્રમાણે દર એક લાખની વસ્તીએ પુરુષોમાં 98 અને સ્ત્રીઓમાં 77 નવા કેન્સરના કેસ જોવા મળે છે. ગુજરાતમાં નોંધાતા કુલ કેન્સરમાં 21.5 ટકા પુરુષોમાં મોઢાનું કેન્સર, જ્યારે સ્ત્રીઓમાં 31.2 ટકા સ્તનનું કેન્સર જોવા મળે છે.

ફેક્ટ ફાઈલ
ભારતમાં દર 8 મિનિટે 1 સ્ત્રીનું મૃત્યુ ગર્ભાશયના મુખના કેન્સર અને દર 13 મિનિટે 1 સ્ત્રીનુ મૃત્યુ સ્તનના કેન્સરના કારણે થાય છે
ગુજરાતમાં વર્ષ 2020માં 69660 નવા કેસ નોંધાયા હતા, જે વર્ષ 2025 સુધીમાં 79217 થવાનો અંદાજ છે.
અમદાવાદ શહેરી કેન્સર રજીસ્ટ્રીના રિપોર્ટ પ્રમાણે પુરુષોમાં તથા સ્ત્રીઓમાં દર એક લાખની વસ્તીએ અનુક્રમે 98 અને 77 નવા કેન્સર કેસ જોવા મળે છે.
અમદાવાદ સિવિલ મેડિસિટી કેમ્પસમાં આવેલી જી.સી.આર.આઇ. કેન્સર હોસ્પિટલમાં દર વર્ષે 20,000 જેટલા કેન્સરના નવા કેસ નોંધાય છે, જેમાંથી 28.84 % દર્દી અન્યમાંથી સારવાર અર્થે ગુજરાતમાં આવે છે. (રાજસ્થાન- 12% , મધ્ય પ્રદેશ- 11.4%, મહારાષ્ટ્ર-1%).
GCRIમાં આવતા કુલ કેસમાંથી 50% દર્દીઓ માત્ર મોઢા,સ્તન અને ગર્ભાશયનાં મુખનાં કેન્સરના નોંધાય છે.

એક સર્વે અનુસાર 15થી 49 વર્ષના લોકોમાં રહેલા કેન્સરના જોખમી પરિબળો…
રાજ્યના 15થી 49 વર્ષના પુરુષ અને સ્ત્રીઓમાં હાથ ધરાયેલ સર્વે પ્રમાણે દારૂના સેવનથી 5.8 ટકા પુરૂષ અને 0.6 ટકા સ્ત્રીઓ, અઠવાડિયામાં ફક્ત એક જ વખત લીલા શાકભાજી ખાતા 89.5 ટકા પુરૂષો અને 89.8 ટકા સ્ત્રીઓ, જ્યારે ફક્ત એક જ વખત ફળનું સેવન કરતા 44.6 ટકા પુરૂષો અને 52.3 ટકા સ્ત્રીઓ, ગૃહિણીઓમાં રસોડામાં ચૂલાના ઉપયોગથી થતા ઘુમાડાથી 38 ટકા ,જ્યારે વધુ વજન અથવા મેદસ્વીપણાથી 19.9 ટકા પુરૂષો અને 22.6 ટકા સ્ત્રીઓ, હાયપર ટેન્સરથી 20.3 ટકા પુરૂષો અને 20.6 ટકા સ્ત્રીઓ અને ડાયાબિટીસથી 16.9 ટકા પુરૂષો અને 15.8 ટકા સ્ત્રીઓમાં કેન્સર થવાનું રિસ્ક અંશતઃ વઘુ જોવા મળ્યુ છે.

કૅન્સર એટલે કૅન્સલ ?ના બિલકુલ નહી….
પ્રથમ તબક્કામાં જ જો યોગ્ય અને પૂરે પૂરી સચોટ સારવાર લેવામાં આવે તો કેન્સરને દૂર કરી શકાય છે, બીજા અને ત્રીજા તબક્કામાં યોગ્ય સારવારથી કેન્સરને કાબૂમાં લાવી શકાય છે.

કેન્સરના જુદા જુદા સ્ટેજ કયા હોય છે ?
કેન્સરના વિવિધ તબક્કા કેન્સરની ગાંઠના કદ, લસિકા ગ્રંથિઓમાં તેનો ફેલાવો તથા શરીરના અન્ય અંગોમાં થયેલ ફેલાવાને ધ્યાનમાં લઈને નક્કી કરવામાં આવે છે.

કેન્સરના વિવિધ સ્ટેજની સ્થિતિ
પ્રથમ સ્ટેજ,
જ્યારે કેન્સરની ગાંઠ 2 સેંટીમીટર કરતાં પણ નાની હોય અને તેનો કોઈપણ અન્ય જગ્યાએ ફેલાવો ના થયો હોય તો રોગ તેના પ્રથમ તબક્કામાં છે તેવું ગણવામાં આવે છે.
બીજો સ્ટેજ, જ્યારે કેન્સરની ગાંઠનું કદ 2થી 5 સેંટીમીટર વચ્ચેનું હોય તથા તેનો ફેલાવો લસિકા ગ્રંથિમાં થતો હોય.
ત્રીજો સ્ટેજ, જ્યારે કેંસરની ગાંઠનું કદ 5 સેંટીમીટર કરતાં વધારે હોય અને તેનો ફેલાવો વધુ લસિકા ગ્રંથિઓમાં થયો હોય.
ચોથો સ્ટેજ, જ્યારે ગાંઠનું કદ ખૂબ જ વધી જાઈ અને તે શરીરના અન્ય અંગોમા પ્રસરે છે.

કૅન્સરની સારવાર મુખ્યત્વે ત્રણ પદ્ધતિઓથી થાય છે
શસ્ત્રક્રિયા:
આ પધ્ધતિમાં કૅન્સર થયેલાં ભાગને કાઢી નાંખવામાં આવે છે.
વિકિરણ સારવાર (રેડિયોથેરાપી): આ પધ્ધતિમાં કૅન્સર કોષોનો વિકિરણની મદદથી નાશ કરવામાં આવે છે.
દવાઓની સારવાર (કિમોથેરાપી): આ પ્રકારની સારવારમાં કૅન્સરવિરોધી દવાઓ આપવામાં આવે છે. કૅન્સરની સારવારમાં હાલમાં ઘણી અસરકારક દવાઓ ઉપલબ્ધ છે.
રાહતદાયી સંભાર (પેલિએટિવ કેર): જેમાં કેન્સરનાં દુખાવા અને અન્ય તકલીફોની સારવાર આપવામાં આવે છે.

રાજકોટ ભાવનગર અને સિધ્ધપુરમાં કેન્સર કેર સેન્ટર
રાજ્યના દૂર-સૂદુર અને અંતરિયાળ વિસ્તારમાંથી અમદાવાદ સિવિલ મેડિસિટીની જી.સી.આર.આઇ. હોસ્પિટલમાં સારવાર અર્થે દર્દીએ આવવું ન પડે તે હેતુથી રાજ્ય સરકાર અને જી.સી.આર.આઇના. સહિયારા પ્રયાસોથી રાજકોટ,ભાવનગર અને પાટણના સિધ્ધપુરમાં કેન્સર કેર સેન્ટર કાર્યરત કરવામાં આવ્યા છે. રાજ્ય સરકારના સહયોગથી વડોદરા, જામનગરમાં પણ કેન્સરની સારવાર ઉપલબ્ધ બનાવવામાં આવી છે.

Source link

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here