માથામાં ઇજા, પગે ફ્રેક્ચર થતાં ચાર શખસો સામે પોલીસ ફરિયાદ
થરાદ મિયાલમાં સામાન્ય બાબતે એક ભાઈ સાથે થયેલી બોલાચાલીની અદાવતે બીજા ઉપર ચાર શખ્સોએ લાકડી અને ગડદાપાટુનો હુમલો કરી ઈજા પહોંચાડી હતી. થરાદ પોલીસે ચાર સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.થરાદ તાલુકાના મિયાલ ગામના ભાવાભાઈ પીરાભાઈ રબારી (કાળોતરા) 21 ફેબ્રુઆરીના 8-30 ના સુમારે ગામની ડેરી એટલે બનાસદાણ લેવા ટ્રેક્ટર લઇને ગયા હતા તે વખતે ગામના હાજાભાઈ નાગજીભાઈ રબારીએ ટ્રેક્ટર કેમ મને અડાડેલ છે તેમ કહી બોલાચાલી કરી હતી.ત્યારબાદ સાંજના સાડા છ વાગ્યે તેમના ભાઈ જગાભાઈ ગામમાં આવેલી દુકાને હતા.
આ વખતે હાજાભાઇ નાગજીભાઈ રબારી તથા ભલાભાઇ નાગજીભાઈ રબારી બીજા બે માણસો સાથે જીપ લઈને આવ્યા હતા. અને તારા ભાઈ એ કેમ મારી સાથે સવારમાં ડેરીએ માથાકૂટ કરી હતી તેમ કહી હાથમાંની લોખંડની પાઇપ અને ધોકા આડેધડ ફટકાર્યા હતા અને ગડદાપાટુનો માર માર્યો હતો. આથી માથામાં લોહી નીકળતાં બચાવવાની બુમો પાડતાં નજીકમાંથી દોડી આવેલા લોકોએ વધુ મારમાંથી છોડાવ્યો હતો.જતાં જતાં આજે તો બચી ગયો છે, પરંતુ લાગ આવ્યેથી બંને ભાઈઓને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
ખાનગી વાહનમાં ઈજાગ્રસ્તને થરાદની સરકારી હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે એક્સરે કઢાવતાં ડાબા પગના ભાગે ફ્રેક્ચર હોવાનું જણાઈ આવ્યું હતું. થરાદ પોલીસે બે ભાઈ સહિત ચાર શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
અહેવાલ…અરવિંદ પુરોહિત,થરાદ
Source :- Divya Bhaskar