બે ભાઇને બચાવવા પડેલા ત્રીજાને લોકોએ બચાવી લીધો
થરાદના ઇઢાટા ગામના પિતરાઇ બાળકો ગામની સીમમાંથી પસાર થતી નર્મદાની ઢીમા માઇનોર કેનાલની પાળી નજીક શનિવારના બપોરના સુમારે બેઠેલ હતાં. દરમિયાન પગ લપસી પડતાં બે પિતરાઇ ભાઇઓ કેનાલના પાણીમાં ગરકાવ થવા પામ્યા હતા.
પિતરાઇ ભાઇને બચાવવા જતાં તે પણ ડુબીયો
ઇઢાટા ગામના કુંભાભાઇ ઠાકોર અને તેમના સુબાભાઇના પુત્રો વિજયભાઇ કુંભાભાઇ ઠાકોર (ઉં.8) અને હિતેશભાઇ સુબાભાઇ ઠાકોર (ઉં12) ગામની સીમમાંથી પસાર થતી ઢીમા માઇનોર કેનાલના પાળી પર બેઠા હતા. આ વખતે કેનાલમાં લપસી પડ્યો હતો. આથી તેને બચાવવા માટે પિતરાઇ ભાઇ પડતાં તે પણ ડુબી ગયો હતો. આથી બંન્નેને બચાવવા માટે કુંભાભાઇનો બીજો મોટો પુત્ર પણ કેનાલમાં પડ્યો હતો. જો કે તે પણ ડુબાઇ રહ્યો હતો.
બચાવવા પડેલા ત્રીજા ભાઈનો આબાદ બચાવ
આ અંગે ગામના જોઇતાભાઇ ઠાકોરે જણાવ્યું હતું કે ‘કેનાલમાં બે ભાઇઓને બચાવવા પડેલ ત્રીજા કિશોરને પુનમ હોવાના કારણે કેનાલ પરથી અવર-જવર કરતા દર્શનાર્થી રાહદારીઓએ જોઇ જતાં બચાવી લીધો હતો. તેની પાસે કેનાલમાં બે ભાઇઓ પડ્યા હોવાની જાણકારી મળી હતી. આથી બહોળી સંખ્યામાં ગ્રામજનો અને રાહદારીઓ કેનાલ પર એકઠા થઇ જવા પામ્યા હતા.
કરુણ ઘટનાથી ગામમાં અરેરાટી પ્રસરી
આ અંગે નગરપાલિકાના તરવૈયા સુલતાન મીરને જાણ કરવામાં આવતાં તે સ્થળ પર દોડી આવ્યા હતા. જો કે તે પુર્વે એકઠા થયેલા લોકો દ્વારા બંન્નેના મૃતદેહો બહાર કાઢીને તેમના પરિવારને સોંપવામાં આવ્યા હતા. મૃતક પૈકી એક વિધાર્થી હોવાનું પણ જાણવા મળ્યું હતું. બનાવ અંગે પોલીસ દફતરે કોઇ નોંધ થવા પામી ન હતી.
Source – divya bhaskar