પરીક્ષા વ્યવસ્થામાં સામેલ વર્ગ-1-2ના 372 અધિકારી સહિત 650 કર્મીઓને તાલીમ આપવા ટાઉનહોલ રાખવો પડ્યોગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા બિન સચિવાલય ક્લાર્ક અને સચિવાલય ઓફિસ આસીસ્ટન્ટ વર્ગ-3ની ત્રણેક વર્ષ પહેલાં રદ કરાયેલી સ્પર્ધાત્મક પરીક્ષા આગામી રવિવારે લેવાનાર છે. મહેસાણા જિલ્લામાં બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાના 60,484 ઉમેદવારોની પરીક્ષા 186 કેન્દ્રોમાં લેવાશે.જિલ્લામાં સૌપ્રથમવાર 60 હજારથી વધુની એક સાથે પરીક્ષા હોઇ તકેદારી અધિકારીઓ, મંડળ પ્રતિનિધિઓ, રૂટ સુપરવાઇઝરો અને રૂટ ક્લાર્ક સહિત 650 જેટલા અધિકારી-કર્મચારીઓને તાલીમ આપવા નગરપાલિકાના ટાઉનહોલનો ઉપયોગ કરવો પડ્યો હતો. સામાન્ય રીતે અત્યાર સુધીની સ્પર્ધાત્મક પરીક્ષાના ફરજના કર્મચારીઓને કોઇ શાળામાં તાલીમ અપાતી હતી, પરંતુ આ પરીક્ષામાં ઉમેદવારોની સંખ્યા વધુ હોઇ કર્મચારીઓ અને અધિકારીઓની પણ વધુ જરૂર ઊભી થઇ છે.
જિલ્લામાં તા.24મીને રવિવારે સવારે 11 થી બપોરે 1 સુધીમાં આ પરીક્ષા લેવાનાર છે. બનાસકાંઠા અને અરવલ્લી જિલ્લાના ઉમેદવારો માટે મહેસાણા જિલ્લામાં 186 પરીક્ષા કેન્દ્રોમાં કુલ 1200 જેટલા બ્લોકમાં બેઠક વ્યવસ્થા કરાશે. પરીક્ષા વ્યવસ્થાના ભાગરૂપે દરેક બિલ્ડિંગ દીઠ એક તકેદારી અધિકારી અને એક ગૌણ સેવા પંસદગી મંડળ પ્રતિનિધિ ફરજમાં મૂકાયા છે. જેમાં તાલુકા પંચાયતો, જિલ્લા પંચાયત, નગરપાલિકા, મામલતદાર કચેરીઓ સહિત વિવિધ વિભાગના વર્ગ-1 અને 2ના મોટાભાગના તમામ અધિકારીઓને તકેદારી અધિકારી કે મંડળ પ્રતિનિધિ ફરજમાં મૂકાયા છે. આ ફરજમાં મોટાભાગે અધિકારીઓ આવી જતાં ખૂટતી જગ્યાએ કેટલાક શિક્ષકોને આ ફરજમાં લેવાયા છે.ઉલ્લેખનિય છે કે, અગાઉ સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરલીક થવાના કિસ્સા બન્યા હોઇ સરકારી તંત્ર હવે કોઇ કચાસ ન રહે તેવી જડબેસલાક વ્યવસ્થા સાથે સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીમાં લાગ્યું છે.
અધિક નિવાસી કલેક્ટર આઇ.આર. વાળાએ કહ્યું કે, તકેદારી અને મંડળ પ્રતિનિધિઓમાં વર્ગ-1 અને 2ના અધિકારીઓને ફરજમાં મૂકાયા છે. જેમાં કેટલાક શિક્ષકો પણ છે. આજે તકેદારી, મંડળ પ્રતિનિધિઓ, રૂટ સુપરવાઇઝર ,ક્લાર્કને બજાવવાની ફરજ અંગે બાયસેગથી વિસ્તૃત માર્ગદર્શન અપાયું છે.
1200 ખંડ નિરીક્ષકો રહેશે
186 તકેદારી અધિકારી (વર્ગ 1,2)
186 મંડળ પ્રતિનિધિ (વર્ગ 1,2)
45 રૂટ સુપરવાઇઝ
45 રૂટ ક્લાર્ક
186 કેન્દ્ર સંચાલક
શાળાના પ્યૂન વગેરે
સ્પર્ધાત્મક પરીક્ષામાં સીધી બાયસેગથી તાલીમ પણ પ્રથમવાર અપાઇ
મંગળવારે બપોરે પાલિકાના ટાઉનહોલમાં બપોરે 2 થી 4 અધિક નિવાસી કલેક્ટર આઇ.આર. વાળા દ્વારા તાલીમ અપાઇ હતી. ત્યાર પછી સાંજના 4 થી 6માં ગાંધીનગર બાયસેગ મારફતે ગૌણ સેવા પંસદગી મંડળ દ્વારા તાલીમ અપાઇ હતી. સ્પર્ધાત્મક પરીક્ષામાં સીધી બાયસેગથી તાલીમ પણ પ્રથમવાર અપાઇ હતી.
Source – divya bhskar