2271 વિદ્યાર્થીઓને પદવીઓ અને 34 વિદ્યાર્થીઓને 41 ગોલ્ડમેડલ એનાયત કરાયા
- સમારંભમાં મુખ્ય અતિથિ તરીકે ઇન્ટરનેશનલ લો કમિશનના સભ્ય ડો. બિમલ પટેલ ઉપસ્થિત રહ્યાં
- આ વર્ષે કોવિડ ગાઈડલાઈન્સને અનુસરતા 11મો પદવીદાન સમારોહ 3 તબક્કામાં યોજાઇ રહ્યો છે
ચરોતર યુનિવર્સીટી ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી (ચારૂસેટ) ચાંગાનો 11મો પદવીદાન સમારંભ કોરોના ગાઈડલાઈન પ્રણાણે 12 જાન્યુઆરીને બુધવારના રોજ ચારૂસેટ યુનિવર્સીટી કેમ્પસમાં યોજાયો હતો. જેમાં કુલ 2271 વિદ્યાર્થીઓને પદવીઓ ઉપરાંત 34 વિદ્યાર્થીઓને 41 ગોલ્ડમેડલ એનાયત કરાયા હતા. આ વર્ષે કોવિડ ગાઈડલાઈન્સને અનુસરતા 11મો પદવીદાન સમારોહ 3 તબક્કામાં યોજાઇ રહ્યો છે.
આ સમારોહના મુખ્ય અતિથિ તરીકે આંતરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત કાયદા અને ન્યાયશાસ્ત્રના વિદ્વાન, તજજ્ઞ, ઇન્ટરનેશનલ લો કમિશન, યુએનમાં ચૂંટાયેલા સભ્ય અને રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સીટીના વાઇસ ચાન્સેલર ડો. બિમલ પટેલે દિક્ષાંત પ્રવચન આપ્યું હતું.
ડો. બિમલ પટેલે પોતાના સંબોધનમાં ઉદ્યોગ સાહસિકતા, સમાજસેવા, પરિશ્રમ, કૃતજ્ઞતા, નીતિમતા , અને સાયન્સ એન્ડ ટેક્નોલોજી પર વિશેષ ભાર મુક્યો હતો. તેઓએ વ્યક્તિગત અને વ્યાવસાયિક સફળતા માટે સખત મહેનત, પ્રતિબદ્ધતા, અનુકૂલનક્ષમતા, મૂલ્યો અને નીતિમતાના ગુણો વિકસાવી આગળ વધવા પ્રેરિત કાર્ય હતા. તેમણે ઉપસ્થિત સર્વેને ‘આત્મનિર્ભર ભારત’ અભિયાનમાં ફાળો આપી શ્રેષ્ઠ ભારત અને સમાજના નિર્માણ માટે પ્રેરણા આપતા જણાવ્યું હતું કે દેશના વધુને વધુ યુવાઓ ઉદ્યોગ સાહસિકતા તરફ વળે અને નવી તકોનું નિર્માણ કરે.
તેમણે શૈક્ષણિક સંસ્થાઓને ઉદેશીને જણાવ્યું હતું કે, તેઓનો મુખ્ય ઉદેશ્ય સમાજમાં રહેલી સમસ્યાઓનાં નિરાકરણ અને ઉત્કર્ષ તરફ હોય એ જરૂરી બની રહે છે. તેમણે તમામ પદવીધારકોને સાયન્સ, ટેક્નોલોજી, અને લીડરશીપ થકી પડકારો અને નિષ્ફળતાઓથી નાસીપાસ થયા વગર સફળ કારકિર્દી ઘડી પોતાના ગામ, શહેર, અને દેશના ઉત્કર્ષ માટે સમર્પિત થવા આહવાન કર્યું હતું.
ડો. બિમલ પટેલ ચારુસેટની ગવર્નિંગ બોડીના સભ્ય છે
મુખ્ય અતિથિ ડો. બિમલ પટેલ ચારુસેટની ગવર્નિંગ બોડીના સભ્ય અને ચરોતરના પનોતા પુત્ર છે. તેઓ પ્રતિષ્ઠિત શિક્ષણશાસ્ત્રી, ન્યાયશાસ્ત્રી અને વહીવટકર્તા છે અને તેમની ત્રણ દાયકાથી વધુની વ્યાવસાયિક કારકિર્દી દરમિયાન, તેમણે ગુજરાત નેશનલ લો યુનિવર્સિટીમાં નિયામક અને ભારતના 21મા કાયદા પંચના સભ્ય જેવી વિવિધ ભૂમિકાઓ ભજવી સેવા આપી છે. તેઓ સંયુક્ત રાષ્ટ્રમાં 1 જાન્યુઆરી 2023થી શરૂ થતાં પાંચ વર્ષના કાર્યકાળ માટે ઈન્ટરનેશનલ લો કમિશનમાં સભ્ય તરીકે ચૂંટાયા છે. તેમણે હેગ, નેધરલેન્ડમાં યુનાઈટેડ નેશન્સ ઓફ યુથ અને ઓર્ગેનાઈઝેશન ફોર ધ પ્રોહિબિશન ઓફ કેમિકલ વેપન્સ જેવી વૈશ્વિક સંસ્થાઓમાં 15 વર્ષ સુધી કામ કર્યું છે.
ડો. દેવાંગ જોશીની આગેવાની હેઠળ દીક્ષાંત શોભાયાત્રા યોજાઇ
ચારૂસેટના રજીસ્ટ્રાર ડો. દેવાંગ જોશીની આગેવાની હેઠળ દીક્ષાંત શોભાયાત્રા યોજાઇ હતી. જેમાં મુખ્ય અતિથિ ડો.બિમલ પટેલ, ચારૂસેટ અને ચરોતર મોટી સત્તાવીસ પાટીદાર કેળવણી મંડળના પ્રમુખ તેમજ સમારોહ અધ્યક્ષ સુરેન્દ્રભાઈ પટેલ, ચારૂસેટના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાય, કેળવણી મંડળના માનદ્ મંત્રી ડો. એમ. સી. પટેલ, માતૃસંસ્થા અને ચારૂસેટ હેલ્થકેર એન્ડ રિસર્ચ ફાઉન્ડેશનના પ્રમુખ નગીનભાઈ પટેલ, ગવર્નીંગ બોડી અને બોર્ડ ઓફ મેનેજમેન્ટના સભ્યો તેમજ વિવિધ વિદ્યાશાખાઓના ડીન, વિવિધ વિદ્યાશાખાઓમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરનાર તેજસ્વી સુવર્ણચંદ્રકધારકો અને પી. એચ. ડી ધારકો જોડાયા હતા. આ ભવ્ય શોભાયાત્રાનું શામિયાણાના મુખ્ય મંચ ખાતે સમાપન થયું હતું. ત્યારબાદ પરંપરા મુજબ ઈશ્વર આરાધના કરવામાં આવી હતી. ત્યાર બાદ યુનીવર્સીટી થીમ સોંગ રજૂ થયું હતું
ચારૂસેટના પ્રોવોસ્ટ ડો. આર. વી. ઉપાધ્યાયે સૌપ્રથમ મંચસ્થ મહાનુભાવો તથા આમંત્રિત સર્વેને આવકાર્યા હતા અને મુખ્ય મહેમાનોનો પરિચય આપ્યો હતો. ત્યારબાદ, તેઓએ વાર્ષિક અહેવાલ રજૂ કરી ચારૂસેટ યુનિવર્સીટી ખાતે વર્ષ દરમિયાનની શિક્ષણ, સંશોધન, અને નવીનીકરણની પ્રવૃતિઓની માહિતી આપી હતી. સમારોહના અધ્યક્ષ સુરેન્દ્ર પટેલ દ્વારા પદવીદાન સમારોહ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. રજીસ્ટ્રાર ડો. દેવાંગ જોશીએ પદવીધારી વિદ્યાર્થીઓને શપથ લેવડાવ્યા હતા.
સુરેન્દ્રભાઈ પટેલે વિદ્યાર્થીઓને સફળ કારકિર્દી માટે ASKનો જીવનમંત્ર આપ્યો
અધ્યક્ષ સ્થાનેથી ઉદ્દબોધન કરતા સુરેન્દ્રભાઈ પટેલે પદવી મેળવનાર વિદ્યાર્થીઓને અભિનંદન પાઠવી સફળ કારકિર્દી ઘડવા માટે આહવાન કર્યું હતું. વધુમાં તેઓએ સાચી શિખ આપતા જણાવ્યું હતું કે, દરેક સમસ્યા તેની સાથે નવીન શોધ તથા આવિષ્કારની તકો સાથે આવે છે. આથી સમસ્યાઓથી નાસીપાસ ન થતા નવીનતમ નિરાકરણ માટે પ્રયત્ન કરવો જોઈએ. તેમણે વિદ્યાર્થીઓને સિદ્ધાંતો અને મૂલ્યો થકી શ્રેષ્ઠ ચારિત્ર્યનું નિર્માણ કરી દેશ-સમાજના ઉત્કર્ષ તેમજ જટીલ સમસ્યાઓના નિરાકારણ માટે સહિયારા વિકાસનો અભિગમ રાખવા માટે આહવાન કર્યું હતું. તેમણે સફળ કારકિર્દી માટે ASKનો જીવનમંત્ર આપતા Attitude, Skills, અને Knowledge પર ભાર મુક્યો હતો. આભારવિધિ ચારૂસેટ યુનીવર્સીટીના રજીસ્ટ્રાર ડો. દેવાંગ જોશીએ કરી હતી. સમારોહનું સંચાલન BDPIPSના આસિસ્ટન્ટ પ્રોફેસર ડો. ધારા પટેલ અને IIIM ના આસિસ્ટન્ટ પ્રોફેસર શીતલ થોમસે કર્યું હતું.
ચારુસેટ સેન્ટ્રલ લેવલે અને સ્ટેટ લેવલે સન્માનીત યુનિવર્સિટી
ચારુસેટ સેન્ટ્રલ લેવલે અને સ્ટેટ લેવલે સન્માનીત યુનિવર્સિટી છે. ચારૂસેટ સંલગ્ન પી. ડી. પટેલ ઇન્સ્ટીટયુટ ઓફ એપ્લાઈડ સાયન્સીસ (PDPIAS)એ નેશનલ રેન્કિંગ નેશનલ ઇન્સ્ટીટયુટ રેન્કિંગ ફેમવર્ક (NIRF) દેશભરમાં ૨૨મુ સ્થાન મેળવ્યું છે. ગુજરાત સ્ટેટ ઇન્સ્ટિટ્યુશનલ રેન્કિંગ ફ્રેમવર્ક (GSIRF) દ્વારા કોલેજોના રેન્કિંગ જાહેર કરવામાં આવ્યા જેમાં ચારૂસેટ સંલગ્ન ચાર કોલેજોએ ટોપ-3 GSIRF રેન્કિંગમાં સ્થાન પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ પ્રાપ્ત કરનાર ચારુસેટ ગુજરાતની એકમાત્ર યુનિવર્સિટી છે.
તાજેતરમાં ગુજરાત સરકાર દ્વારા ચારૂસેટને ‘Centre of Excellence’નો દરજ્જો આપવામાં આવ્યો છે. ચારૂસેટના નેજા હેઠળ સંચાલિત 72 પ્રોગ્રામમાં 8800થી વધુ વિદ્યાર્થીઓ સાર્વત્રિક વિકાસના મુખ્ય ઉદેશ્ય સાથે અભ્યાસ કરી રહ્યા છે. જે રાષ્ટીય કક્ષાએ પ્રથમ હરોળની ૨૦ યુનિવર્સીટીમાં સ્થાન પામવાનું ધ્યેય ધરાવે છે. તેમજ લાંબા ગાળે વર્લ્ડ ક્લાસ યુનિવર્સિટી બનવાની નેમ સેવે છે.
ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્ર અને સમાજ માટે મહત્વનું યોગદાન આપનાર મહાન વૈજ્ઞાનિકો, ઉદ્યોગપતિઓ અને આદરણીય હસ્તીઓને આમંત્રિત કરવાની ચારૂસેટની આગવી પરંપરા અનુસાર પ્રથમ, દ્વિતીય, તૃતીય, ચતુર્થ, પાંચમા, છઠ્ઠા, સાતમા, આઠમા, નવમા અને દસમા પદવીદાન સમારંભમાં અનુક્રમે ડો. અબ્દુલ કલામ, ડો. આર. એ. મશેલકર જેવા ખ્યાતનામ વૈજ્ઞાનિક, પંકજ પટેલ જેવા ખ્યાતનામ ઉદ્યોગપતિ, વિખ્યાત વૈજ્ઞાનિક ડો. ટી. રામાસામી, ગુજરાતના રાજ્યપાલ ઓ.પી. કોહલી, વિખ્યાત ઉદ્યોગપતિ ડો. એમ. આઈ. પટેલ, વિખ્યાત વૈજ્ઞાનિક અને ઈસરોના ચેરમેન એ. એસ. કિરણકુમાર, પરમાણુ વૈજ્ઞાનિક ડો. ટી. રામાસ્વામી, કેરળના રાજ્યપાલઆરીફ મોહમ્મદ ખાન, ભારતની વિખ્યાત આઈટી કંપની ઓનવર્ડ્સ ટેક્નોલોજીસના સ્થાપક અને એક્ઝીક્યુટીવ ચેરમેન અને નાસ્કોમના સર્વપ્રથમ ચૂંટાયેલા ચેરમેન હરીશ મહેતા,પદ્મશ્રી એવોર્ડ વિજેતા અને અમદાવાદની એપેકસ હાર્ટ ઇન્સ્ટીટ્યુટના ચેરમેન અને ચીફ ઇન્ટરવેન્શનલ કાર્ડીઓલોજીસ્ટ ડૉ. તેજસ પટેલ વગેરેએ મુખ્ય અતિથિપદ શોભાવ્યું હતું.
યુનિવર્સીટીના પ્રમુખ સુરેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષસ્થાને યોજાયેલા આ પદવીદાન સમારોહમાં કુલ 2271 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. આ વર્ષે કોવિડ ગાઈડલાઈન્સને અનુસરતા 11મો પદવીદાન સમારોહ 3 તબક્કામાં યોજાઇ રહ્યો છે.
પ્રથમ તબક્કામાં મુખ્ય સમારોહ અંતર્ગત 12 જાન્યુઆરીના રોજ વિવિધ વિદ્યાશાખાઓમાં અગ્રીમ સ્થાન પ્રાપ્ત કરનાર 34 તેજસ્વી વિદ્યાર્થીઓને 41 ગોલ્ડમેડલ સાથે સર્ટિફિકેટ એનાયત કરવામાં આવ્યા હતા. જ્યારે 40 તેજસ્વી વિદ્યાર્થીઓને પી.એચ.ડી.ની ડિગ્રી એનાયત કરવામાં આવી હતી.
ચારૂસેટ દ્વારા સુવર્ણમંડિત ચંદ્રક આપવાની પરંપરા રહી છે. ત્યારે પદવીદાન સમારોહમાં શુદ્ધ સુવર્ણના ચંદ્રક આપવામાં આવ્યા હતા. બીજા અને ત્રીજા તબક્કામાં અનુક્રમે 13 અને 17 જાન્યુઆરીએ વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સિંગ સાથે વ્યકિતગત પદવી એનાયત કરવામાં આવશે. જેમાં ફેકલ્ટી ઓફ કમ્પ્યુટર એપ્લિકેશનમા કુલ 350, ફેકલ્ટી ઓફ મેનેજમેન્ટ સ્ટડીઝના 186, ફેકલ્ટી ઓફ ફાર્મસીના 143 ,ફેકલ્ટી ઓફ એપ્લાઇડ સાયન્સીસના 284, ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જીનીયરીંગની વિવિધ છ વિદ્યાશાખાઓના 1031 વિદ્યાર્થીઓને, ફેકલ્ટી ઓફ મેડીકલ સાયન્સીસના 208 વિદ્યાર્થીઓને પદવીઓ એનાયત કરવામાં આવશે.