માલધારી એન્સ્ટોપેબલ દ્વારા ગાંધીનગર કલેકટર પાસે ઉપવાસ માટે લેખિતમાં મંજૂરી માંગી.
ગુજરાત સરકાર સામે દિવસે ને દિવસે એક એક સમુદાયના સળગતા પ્રશ્નો આવી રહ્યાં છે. હવે ગુજરાત માલધારી સમાજ રાજ્ય સરકાર સામે લડી લેવાના મુડમાં જોવા મળી રહ્યો છે. જેમાં માલધારી સમાજના લોકો શહેરમાં ગાયો રાખીને ગુજરાન ચલાવી રહ્યા છે.પરંતુ સરકાર દ્વારા વિવિધ કાયદાઓ બતાવી તેઓને હેરાન કરવામાં આવી રહતા છે.તથા વહીવટીતંત્ર દ્વારા દન્ડ અને પોલીસ દ્વારા ખોટા કેસો કરાતા હોવાના આક્ષેપો સાથે માલધારી સમાજના આગેવાનોએ આવનારી 1 જાન્યુઆરીએ ગાંધીનગરની સત્યાગ્રહ છાવણીમાં આમરણાંત ઉપવાસ પર બેસવાનો નિર્ણય લીધો છે.
માલધારી સમાજના આગેવાનોના જણાવ્યા અનુસાર, અમદાવાદ,સુરત,વડોદરા, સહીતના શહેરોમાં માલધારી સમાજને ઢોરને લઈ ભારે હાંલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ગાયોને તંત્ર દ્વારા ગેરકાનુની રીતે પકડી પાડી અવેજમાં હપ્તા ઉઘરાવવાની ફરિયાદો ઉઠી છે. જેમાં રબારી કોમ્યુનીટી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે કે, એક ગાય ને છોડાવવા 7 થી 10 હજાર રૂપિયા થાય છે,તો બીજી બાજુ ગૌચર બાબતે પણ સરકાર સામે ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવા જઈ રહ્યાં છે.
આ આંદોલનને પગલે માલધારી કોમ્યુનિટીના આગેવાનોએ તેમના સમાજના લોકોને મોટી સંખ્યામાં જોડાવાનુ આહવાન કર્યુ છે. ઉલ્લેખનીય છે કે, માલધારીઓ દ્વારા એવો પણ આરોપ લગાવવામાં આવ્યો છે કે, આ મામલે માલધારી સમાજના લોકો પર ખોટા કેસો પણ દાખલ કરવામાં આવ્યા છે. આ બાબતે સરકાર સમક્ષ અગાઉ અનેક રજુઆતો પણ કરવામાં આવી હતી. પરંતુ આજદિન સુધી માલધારી સમાજની માંગોને નજર અંદાજ કરવામાં આવતા આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.