કાર્યકારી અધ્યક્ષ તરીકે કોઈ કામ ન અપાતું હોવાનો આરોપ
કોંગ્રેસે કર્યો મારો ઉપયોગ : હાર્દિક પટેલ
રાહુલ ગાંધીને અનેક રજુઆત છતાં કોઈ પગલા ન ભરાતા હોવાની કરી વાત.
કોંગ્રેસ માટે આજનો દિવસ અપશુકનિયાળ સાબીત થઈ રહ્યો છે આજે સૌરાષ્ટ્રના નેતા ઈંદ્રનીલ રાજ્યગુરૂ તેમજ વશરામ સાગઠીયાએ કોંગ્રેસનો સાથ છોડ્યા બાદ હવે કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષે કોંગ્રેસને લઈને ઘટસ્ફોટ કરતા ગુજરાતની રાજનીતિમાં ખળભળાટ ફેલાઈ જવા પામ્યો છે.
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે જણાવ્યું કે કોંગ્રેસે મારો ઉપયોગ કર્યો છે. કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હોવા છતાં કોઈ કામ આપવામાં આવતું નથી અને મને હેરાન કરાય રહ્યો છે. મને કોઈ કામ આપવમાં આવતું નથી તેમજ મહત્વની બેઠકમાં પણ બોલાવવામાં આવતો નથી તેમજ કોઈ મહત્વના નિર્ણયમાં ભાગીદાર પણ બનાવવામાં નથી આવતો.
પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે હાર્દિક પટેલે કહ્યુ કે, કોંગ્રેસના નેતા ઈચ્છા છે કે હું પાર્ટી છોડી દઉં. હાર્દિક પટેલે આરોપ લગાવ્યો કે પ્રદેશ નેતૃત્વ તેને સતત પરેશાન કરી રહ્યું છે. તેણે કહ્યું કે, મારા તરફથી કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીને મારી આ સ્થિતિ વિશે ઘણીવાર માહિતી આપી, પરંતુ દુખની વાત છે કે કોઈ નિર્ણય થયો નથી. તેણે દાવો કર્યો કે છેલ્લા ત્રણ દાયકાથી ગુજરાતમાં કોંગ્રેસની સરકાર નથી બની તે માટે જૂથવાદ અને સ્થાનીક કોંગ્રેસ નેતાઓનું બીજા દળો સાથે ગુપ્ત ગઠબંધન જવાબદાર છે.
હાર્દિકે એવો પણ દાવો કર્યો કે ૨૦૧૭માં માહોલ હોવા છતાં ખોટી ટિકિટ વહેંચણીના કારણે સરકાર બની ન હતી.હાર્દિક પટેલે આરોપ લગાવતા કહ્યુ કે, પ્રદેશ કોંગ્રેસના નેતા ઈચ્છે છે કે હું પાર્ટી છોડી દઉં. તેણે સવાલ કર્યો, વર્ષ 2017માં કોંગ્રેસના 80 ધારાસભ્યો હતા, આજે 65 વધ્યા છે. એક-બે ધારાસભ્યો જાય તો માની લેવામાં આવે કે ભાજપે ખરીદ્યા હશે, પરંતુ આટલા ધારાસભ્યો જતા રહે તો અમે અમારી ભૂલ કેમ નથી માનતા?’