આ ઉજવણી ઉત્સાહ પૂર્વક સેકટર-11 રામકથા મેદાન ખાતે કરાઇ
ગાંધીનગર જિલ્લામાં 73મા પ્રજાસત્તાક પર્વની જિલ્લા કક્ષાની ઉત્સાહ પૂર્વક ઉજવણી સેકટર-11 રામકથા મેદાન ગાંધીનગર ખાતે કરવામાં આવી હતી. આ પ્રસંગે ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંધવીએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવીને સલામી આપી હતી. ગૃહ રાજ્ય મંત્રીએ સ્વતંત્ર અખંડ ભારતના નિર્માણ અને દેશને આઝાદી અપાવનાર શહીદોને સલામ અને નમન કરવાના આ પવિત્ર દિવસે શ્રદ્ધાંજલિ આપી તેમના ચરણોમાં શ્રદ્ધા સુમન અર્પણ કર્યા હતા.
આ પ્રસંગે ગૃહ રાજય મંત્રી હર્ષ સંધવીએ જણાવ્યું હતું કે, વિશ્વના સૌથી મોટા લોકશાહી ધરાવતા દેશ માટે આ એક વિશેષ પર્વ છે. માતૃભૂમિના ચરણોમાં વંદન કરવાનું, આપણા શહીદવિરોને યાદ કરીને તેમના પ્રતિ આદર વ્યક્ત કરવાનું અને સાથે જ રાષ્ટ્રના ગરિમા- ગૌરવ પ્રતિ આપણી રાષ્ટ્રભાવના અને નિષ્ઠાને સંકલ્પ બદ્ધ કરવાનું આ પર્વ છે. આઝાદીનું આપણે સૌ સન્માન કરીએ અને દેશના વિકાસ અને એકતા માટે સતત કર્તવ્યનું પાલન કરીએ એ જ મહાન ક્રાંતિકારીઓને સાચી શ્રદ્ધાંજલિ છે.
દેશ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ભારતમાં એક નવા યુગની શરૂઆત થઇ છે. તેમણે રાષ્ટ્રહિતમા લીધેલા ઐતિહાસિક નિર્ણયોથી આજે દેશની અખંડતા અને સંપ્રભુતા જળવાઇ રહી છે. વડાપ્રધાનશ્રી અને કેન્દ્રીય ગૃહ મંત્રીના ર્દઢ સંકલ્પ અને નિશ્ચય થકી 70 વર્ષથી આંતકવાદની લપેટમાં અને વિકાસથી દૂર રહેલા જમ્મુ કાશ્મીરના લોકોની સાથે ન્યાય થયો છે. ધારા- 370 અને 35- એ નાબૂદ થતા લોકોને તેમના અધિકાર મળ્યા છે, સાથે સાથે જમ્મુ કાશ્મીરના વિકાસનો નવો અધ્યાય શરૂ થયો છે. વડાપ્રધાન દ્વારા નાગરિકતા સંશોધન કાયદા હેઠળ પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફધાનિસ્તાનમાં વસતા લધુમતીઓને ભારતમાં નાગરિકતાનો અધિકાર મળ્યો છે. ભારત દેશે વિશ્વામાં આતંકવાદના મુદ્દે ઝીરો ટોલરન્સ નીતિનો સંદેશ આપ્યો છે. આંતકવાદી ઠેકાણા ઉપર સર્જિકલ અને એર સ્ટ્રાઇક કરી સતત આપણે નવા ભારતનો જોશ બતાવ્યો છે.
લોકાડાઉનના સમયમાં કોઇ ગરીબ ભુખ્યો ન સુવ તે માટે દેશના લગભગ 80 કરોડ લોકોને અનાજનું મફત વિતરણ કરવામાં આવ્યું છે. ત્રીજી કોરોનાની લહેરમાં આપણે હોસ્પિટલ, ઓક્સિજન, વેંટિલેટર, દવાઓ ટેસ્ટીંગ કિટ જેવી જરૂરિયાતથી વધુ સજ્જ છીએ. તેમણે કોરોનાને નાથવા માટે ખડેપગે પોતાની ફરજ અદા કરનાર ર્ડાકટરો, નર્સો, પેરામેડિકલ સ્ટાફ, પોલીસ જવાનો અને સર્વે કર્મયોગીની તેમની ઉમદા ફરજ બદલ અભિનંદન આપ્યા હતા.
સૌના સાથ, સૌના વિકાસ, સૌનો વિશ્વાસ.. સૌનો પ્રયાસના મહામંત્ર સાથે ગુજરાત જનજની સુખાકારી માટે સતત રાજયના મુખ્ય મંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વમાં રાજયનો સર્વાંગી વિકાસ કરવામાં આવી રહ્યો છે. આત્મનિર્ભર ગુજરાતથી આત્મનિર્ભર ભારતની આ યાત્રામાં મુખ્યમંત્રીના ઉર્જાવાન નેતૃત્વમાં આપણે કોરોનાકાળમાં પણ વિકાસના તમામ ક્ષેત્રોમાં સિધ્ધીના સોપાનો ગુજરાત સર કરી રહ્યું છે.
ડ્રગ્સના દુષણમાંથી ગુજરાતને બહાર કાઢવા ગુજરાત પોલીસે જે કાર્યવાહી હાથ ઘરી છે. તેને બિરદાવી ગૃહ રાજય મંત્રીએ જણાવ્યું હતું કે, ડ્રગ્સને ડામવા ગુજરાત સરકાર દ્વારા અનેક પગલાઓ લેવામાં આવ્યા છે. ફકત ૩ મહિનામાં આશરે 1500 કરોડનું ડ્રગ્સ પકડવામાં આવ્યું છે. 232 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. ડ્રગ્સના દુષણને ડામવા સર્જિકલ સ્ટ્રાઇક ગુજરાત પોલીસે કરી છે. રાજયમાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે પોલીસ તંત્રની કામગીરી પણ ઉમદા છે. ભારત સરકાર દ્વારા જાહેર કરાયેલા મહત્વના એવા પોલીસ ચંદ્રકોમાં વિશિષ્ટ સેવા અંગેના પોલીસ મેડલ અને પ્રશંસનીય સેવા અંગેના પોલીસ મેડલ મેળવનાર સર્વે પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓને હદયપૂર્વક અભિનંદન પણ પાઠવ્યા હતા.
ગૃહ રાજય મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, રાજયના યુવાનોને રમત- ગમત ક્ષેત્રે પ્રોત્સાહન મળે તે માટે સરકાર દ્વારા ખેલ મહાકુંભ અને શક્તિદૂત યોજના અમલી બનાવવામાં આવી છે. જેના થકી ગુજરાતના યુવાનો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખૂબ સારું પ્રદર્શન કરી રહ્યા છે. ગુજરાતમાં આરોગ્યલક્ષી સેવાને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. રાજયમાં નિરામય ગુજરાત, પ્રધાનમંત્રી જનઆરોગ્ય મા યોજના જેવી અનેક આરોગ્ય લક્ષી સેવા થકી સ્વસ્થ ગુજરાતનું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે.
દેશમા સૌથી વધુ સુખી અને ઉન્નત ખેડૂત આપણા ગુજરાતના છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતોના લાભાર્થે સાત પગલા ખેડૂત કલ્યાણ કાર્યક્રમ અંતર્ગત સાત યોજનાઓ અમલી બનાવી છે. ખેડૂતોની આવક બમણી કરવાના ઉમદા આશય સાથે એમ.એસ.પી.ના દરમા સતત વધારો કરવામાં આવ્યો છે. આજે ગુજરાત આધુનિક વૈજ્ઞાનિક ખેતીની સાથે સાથે પ્રાકૃતિક ખેતીમા પણ એગ્રેસ છે. આ સરકાર આપત્તિના સમયે ખેડૂતોને પડખે ઉભા રહેવા સરકાર દ્વારા મુખ્ય મંત્રી કિસાન સહાય યોજના અમલી બનાવવામાં આવી છે.
આજે ગુજરાતમાં પશુપાલન અને દૂધ ઉત્પાદન સાથે સાથે ડેરી વિકાસમાં ઉતરોત્તર પ્રગતિ કરી રહ્યું છે. તેમજ વર્ષ- 2022 મા ગુજરાતના તમામ ઘરે ઘરે નલ સે જલ યોજના થકી નળથી પાણી આપવાનું સુચારું આયોજન છે. તેની સાથે ગુજરાતમાં શિક્ષણ ક્ષેત્રે વિવિધ સિધ્ધિઓ હાંસલ કરી છે. કન્યા કેળવણી સાથે સાથે શિક્ષણને સરકારે પ્રાધાન્ય આપ્યું છે.
આ પ્રસંગે ગૃહ રાજય મંત્રીના હસ્તે ગાંધીનગર જિલ્લા કલેકટર ર્ડા.કુલદીપ આર્ય અને જિલ્લા વિકાસ અધિકારી સુરભિ ગૌત્તમને જિલ્લાના વિવિધ વિકાસ કામો માટે રૂપિયા 25 લાખનો ચેક અર્પણ કરવામાં આવ્યો છે. તેમજ જિલ્લામાં વિશિષ્ટ કામગીરી કરનાર સંસ્થા અને વ્યક્તિઓનું પણ તેમના હસ્તે સન્માન કરવામાં આવ્યું હતું. તેમણે રાષ્ટ્રીય પર્વ નિમિત્તે ઉભા કરવામાં આવેલા કોરોના વોરિયર્સના પ્રિકોશન ડોઝ સેન્ટરની પણ મુલાકાત લીધી હતી. કાર્યક્રમના અંતે વૃક્ષારોપણ પણ મંત્રીના હસ્તે કરવામાં આવ્યું હતું.
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper