પ્રેમી સગીરાને તેના કાકા બોલાવે તેમ કહી નદીના કોતરમાં લઈ ગયો હતો,માથાકૂટ થતાં કટરના ઘા ઝીંકી ગળું કાપવા લાગ્યો, સગીરા હાલ સારવાર હેઠળ,સગીરાના ગળાના ભાગે 30થી વધુ ટાંકા લેવા પડ્યા.
સુરતમાં સરાજાહેર ગ્રીષ્મા નામની યુવતીની તેના પ્રેમી દ્વારા કરાયેલી હત્યાના બનાવના રાજ્યભરમાં ઘેરા પડઘા પડ્યા છે. તેના અઠવાડિયામાં જ પાટનગર ગાંધીનગરમાં શુક્રવારે એક પ્રેમીએ તેની સગીર પ્રેમિકા પર કટર વડે હુમલો કરતા સગીરાને ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. ગાંધીનગરનાં અમરાપુર નદીનાં કોતરમાં પ્રેમીએ બળજબરી કરીને સગીર વયની પ્રેમિકાનું ગળું કટર વડે કાપવા માટે આડેધડ ઘા ઝીંકી દીધા હતા. આ બનવાની જાણ થતાં સ્થળ પર દોડી ગયેલા સગીરાના કાકાએ તાત્કાલિક 108ને બોલાવી ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડી હતી. આ ઘટનાના પગલે ઉચ્ચ પોલીસ અધિકારીઓ પર ઘટના સ્થળે દોડી ગયા હતા. હાલમાં સગીરાને સિવિલમાં સઘન સારવાર શરૂ કરાઈ છે. ગળાના ભાગે ગંભીર ઈજા થતા 30થી વધુ ટાંકા લેવાની ફરજ પડી હતી.
આરોપી સંજય ઠાકોરની પોલીસે અટકાયત કરી
આરોપી સગીરાને નદીના કોતરમાં લઈ ગયો હતો
આ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર ગાંધીનગરનાં લીંબોદરા ગામે ધોરણ – 12માં અભ્યાસ કરતી સગીરા શુક્રવારે સ્કૂલમાં પરીક્ષા આપવા ગઈ હતી. ત્યારે બપોરના સમયે ગામમાં રહેતો શખ્સ સંજય સેધાજી ઠાકોર તેને રસ્તામાં મળ્યો હતો. બાદમાં સંજયે સગીરાને કહ્યું હતું કે, તારા કાકા તને બોલાવે છે એટલે સગીરા તેના બાઈક પર બેસી ગઈ હતી. ત્યારે સંજય તેને અમરાપુર નદીના કોતરમાં લઈ ગયો હતો. અહીં થોડીક વાતચીત કર્યા પછી સંજય સગીરા સાથે બળજબરી કરવા લાગ્યો હતો.
માથાકૂટ થતા આરોપીએ સગીરાને ગળાના ભાગે ઘા ઝીંક્યા
આ બાબતે બન્ને વચ્ચે કોઈ માથાકૂટ થતાં સંજય એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ધારદાર કટર વડે સગીરાના ગળાના ભાગે ઘા ઝીંકી ગળું કાપવા લાગ્યો હતો. જેનો પ્રતિકાર કરતા સંજય ત્યાંથી નાસી ગયો હતો. બીજી તરફ ગળામાંથી પુષ્કળ લોહી વહી રહ્યું હોવા છતાં સગીરાએ જેમતેમ કરીને તેના કાકાને ફોન કરીને બોલાવી લીધા હતા. જેનાં પગલે તેનાં કાકા પણ કોતરમાં દોડી ગયા હતા અને 108 એમ્બ્યુલન્સ તેમજ પોલીસને બોલાવી લીધી હતી. સ્થળ પર પહોંચેલી 108ની ટીમે સગીરાની પ્રાથમિક સારવાર કરીને ગાંધીનગર સિવિલ લઈ આવી હતી.
ગળામાં ઘા 2 MM ઊંડો ઊતરી ગયો હોત તો પ્રિયંકા બચી ન શકી હોત
સિવિલનાં સૂત્રો પાસેથી માહિતી મળી હતી કે પેપર કટર માર્યા બાદ પ્રિયંકાને બચાવવામાં સિવિલના તબીબોને સફળતા મળી છે પરંતુ ગળાના ભાગે 2 એમએમ ઘા ઊંડો ઊતરી ગયો હોત તો શ્વાસનળી કપાઈ ગઈ હોત અને બચાવી શકાઈ ન હોત. બોચીના ભાગે પણ ઘા વધારે થયો હોત તો બોચીનું હાડકું તૂટી ગયું હોત. ઓપરેશન સમયે ઇએનટી, સર્જરી વિભાગ વિભાગના તબીબોને સાથે રાખવામાં આવ્યા હતા.
બોચીના ભાગે 12X3 સેમીનો ઘા થયો
યુવતિને બોચીના ભાગે પેપર કટરથી વધારે ઊંડો ઘા થયો હતો. બોચીના ભાગમાં 12X3 સેન્ટીમીટરનો ઘા થયો હતો. ઘા એટલો ભયંકર હતો કે હોસ્પિટલમાં તેને ખોલતાંની સાથે જ લોહીની ધારા વહેવા લાગી હતી. પરિણામે સીધી ઇએનટીના ઓપરેશન થિયેટરમાં લઈ જવાઈ હતી, જ્યાં સફળ સર્જરી કરાઈ હતી.
પોલીસે આરોપી યુવકની અટકાયત કરી
આ ગંભીર ઘટનાની જાણ થતાં ગ્રામજનો સહિત પોલીસના ઉચ્ચ પોલીસ અધિકારીઓ પણ સ્થળ પર દોડી આવ્યા હતા. આ અંગે સગીરાના કાકાએ જણાવ્યું હતું કે, અમે બે ભાઈ સંયુક્ત કુટુંબમાં રહીએ છે. આજે સગીરા પરીક્ષા આપવા ઘરેથી નીકળી હતી. ત્યારે સંજય ઠાકોર મારી ભત્રીજીને મારું નામ લઈને અમરાપુર નદીના કોતરમાં લઈ ગયો હતો. બાદમાં તેની સાથે બળજબરી કરી ગળું કાપવા કટર ગળાના ભાગે મારવા લાગ્યો હતો. હાલમાં ભત્રીજીની સારવાર ચાલી રહી હોવાથી તેની વધુ પૂછતાંછ કરી નથી. પોલીસ દ્વારા હાલ આરોપી યુવકની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે.આ અંગે પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, સગીરા સાથે બળજબરી કરીને હત્યાનો પ્રયાસ થયો હોવાનું પ્રાથમિક તારણ છે. ગળા પર ગંભીર ઈજાઓ થયા પછી સગીરા નદીના પટમાંથી કોતર તરફ જીવ બચાવવા દોડી હતી. જ્યાં ગ્રામજનો જોઈ જતાં તેના કાકાને બોલાવી લેવાયા હતા. હૂમલો કર્યા પછી યુવક તેના કાકાનું બાઈક ઘરે મૂકીને ભાગી ગયો હતો. જેને ઝડપી લેવામાં આવ્યો છે. જેની પ્રાથમિક પૂછતાંછમાં સગીરા ભાગી જવાની જીદ કરતી હતી. જેનાં કારણે બન્ને વચ્ચે માથાકૂટ થતાં તેણે કટર થી ગળા પર હુમલો કર્યો હતો. જોકે, તેની આ થિયરી પોલીસના ગળે ઉતરતી ના હોવાથી સગીરા સ્વસ્થ થાય પછી તેની પુછતાછ કરવામાં આવનાર છે.
સુરતમાં પણ એકતરફી પ્રેમીએ યુવતીનું ગળું કાપ્યું હતું
સુરત કામરેજના પાસોદરા પાટિયા પાસે માથાભારે યુવકે યુવતીને લોકોની સામે જાહેરમાં ગળું કાપી મોતને ઘાટ ઉતારી દીધી હોવાનો વીડિયો સામે આવ્યો હતો. છેલ્લા કેટલાક દિવસથી યુવક યુવતીનો પીછો કરી રહ્યો હતો. થોડા દિવસ અગાઉ યુવતીના મોટા પિતા દ્વારા યુવકને ઠપકો પણ આપવામાં આવ્યો હતો. જેને લઈ યુવક યુવતીના ઘર બહાર પહોંચી જઇ હંગામો મચાવ્યો હતો. જે બાદ યુવતીની જાહેરમાં હત્યા કરી નાખી હતી.
અહેવાલ..દિપક વ્યાસ,ગાંધીનગર