પોલીસે પરિવારનું નિવેદન મેળવી ડામ દેનારાને ઝડપવા કવાયત હાથ ધરી
ખેરાલુના માળીવાસમાં વેપારીના બે વર્ષના દીકરાને કોઇ શખ્સે પીઠના ભાગે કરોડરજ્જૂ ઉપર અંગ્રેજીના વી જેવા આકારમાં નાના 11 ડામ દેતાં ફફડી ઉઠેલા પરિવારે પોલીસને જાણ કરતાં પોલીસે પરિવારનું નિવેદન મેળવી વધુ તપાસ આદરી છે.ખેરાલુના માળીવાસમાં રહેતા વિજયભાઇ સિન્ધી નામના એક વેપારીનો બે વર્ષીય દિકરો ગત સોમવારની સાંજે મહોલ્લાના નાકે રમી રહ્યો હતો. ત્યારે અચાનક બાળકની ચીસો સાંભળવા મળતાં પરિવારના લોકો મહોલ્લામાં દોડી આવ્યા હતા અને આવીને જોયું તો મહોલ્લામાં બીજુ કોઇ હાજર નહોંતુ પરંતુ તેમનો બાળક ચીસો પાડી પાડીને રડી રહ્યો હતો.
કદાચ બાળક પડી ગયો હશે તેમ માની તેની માતાએ બાળકના કપડા કાઢીને જોયું તો આખો પરિવાર હેબતાઇ ગયો હતો. કારણ કે બાળકની પીઠના ભાગે કરોડરજ્જૂ ઉપર અંગ્રેજીના વી આકારમાં નાના નાના 11 જેટલા ડામ અપાયા હતા. રાત્રે બાળકની સારવાર કરાવી મંગળવારની સવારે વિજયભાઇએ પોલીસને જાણ કરતાં ટાઉન જમાદાર સ્ટાફ સાથે માળીવાસમાં દોડી આવ્યા હતા.
Source – divya bhaskar