ઉનાળાના અમૃત ફળ કેરીના સ્વાદમાં આ વર્ષે દોઢથી બે ઘણા ભાવ વધારાના કારણે કેરીના મીઠાં સ્વાદમાં ભાવ વધારાની ખટાશ ચડી ગઈ છે. એપ્રિલ માસના મધ્ય બાદ અરવલ્લી જીલ્લાની બજારમાં કેરીની આવકમાં વધારો થવાથી ભાવમાં ઘટાડો થશે. જો કે, અગાઉના વર્ષે જેમ કેરીના ભાવ તળિયે નહીં પહોંચે તેમ વેપારીઓ માની રહ્યા છે. તેનું મુખ્ય કારણ ગત વર્ષે ટૌટે વાવાઝોડાએ સર્જેલી તારાજી છે. વાવાઝોડામાં આંબા ખરી પડતા લોકોને હજુ ત્રણ-ચાર વર્ષ સુધી કેરી મોંઘા ભાવે જ ખાવી પડશે.
ઉનાળાની ઋતુ દરમિયાન સ્વાદશોખીન અરવલ્લી વાસીઓની થાળીમાં કેરી એ ફરજીયાત મેનું બની જાય છે. આરોગ્ય માટે અતિગુણકારી કેરીને અમૃત ફળ તરીકે માનવામાં આવતું હોય, ઉનાળાની સિઝનમાં અરવલ્લીવાસીઓ 1000 ટનથી પણ વધુ કેરી આરોગી જાય છે.
હાલ અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક અને તાલુકા મથકોએ કેસર કેરી ઉપરાંત તોતા, બદામ, સુંદરી, હાફૂસ કેરીનું આગમન થવા લાગ્યું છે. અરવલ્લીના હોલસેલ ફ્રૂટ માર્કેટમાં દર વર્ષે અંદાજે 1000 ટન જેટલી કેરી ઠલવાય છે. સામાન્ય રીતે સિઝનના પ્રારંભે કેસર કેરીનો ભાવ રૂપિયા 100 થી150 હોય છે.
પરંતુ આ વર્ષે કેસર કેરીનો ભાવ દાંત ખાંટા કરી દે તેવો છે. હજુ આવક ઓછી છે, તેની સામે કેરીનો ઉપાડ વધું હોવાથી એક કિલો કેસર કેરીનો ભાવ રૂપિયા 200 થી 250 બોલાઈ રહ્યો છે. જે અગાઉના વર્ષો કરતા દોઢથી બે ગણો વધુ છે તેમ કેરીના વેપારી મોઈનભાઈ એ જણાવ્યું હતું.
source – nav gujarat samay