ઊંઝા તાલુકાના દાસજની સગીરાને ભગાડી જવાના કેસમાં પોલીસે બનાસકાંઠાના શિહોરી તાલુકાના રાણેર ગામના ભોપાજી ઉર્ફે લાલો કુંવરજી જાદવ ઠાકોર (૨૯)ની ધરપકડ કરી હતી અને કોટેજ હોસ્પિટલમાં મેડિકલ પરીક્ષણ બાદ રાત્રે લોકઅપમાં રખાયો હતો. લોકઅપના બાથરૂમમાં જઈ આરોપી ભોપાજી ઠાકોરે બ્લેડથી ગુપ્તાંગ કાપવાનો પ્રયાસ કરતાં લોકઅપમાં રહેલા અન્ય આરોપીઓએ પોલીસને જાણ કરી હતી. તેથી પોલીસે કોટેજ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાવી મહેસાણા સિવિલમાં રીફર કર્યો હતો. આરોપીની હાલત સ્થિર હોવાનું ફરજ પરના તબીબે જણાવ્યું હતું. ઊંઝા પોલીસે મહેસાણાના નાયબ મામલતદાર પાસે મરણોત્તર નિવેદન લેવડાવી નોંધ કરી છે.
પીઆઈ એસ.જે. વાઘેલાએ કહ્યું કે આરોપીની ધરપકડ બાદ ઊંઝા કોટેજ હોસ્પિટલમાં મેડિકલ પરિક્ષણ અર્થે મોકલાયો હતો. જ્યાંથી આરોપીના વાળ કાઢવા માટે આપેલી બ્લેડ સંતાડીને પોલીસ સ્ટેશન સુધી લાવ્યો હતો. લોકઅપમાં મૂકતી વખતે ચેકિંગ કરતાં સમયે બ્લેડ મોઢામાં રાખી દીધી હતી. શૌચક્રિયા કરવા ગયો ત્યારે બ્લેડથી ગુપ્તાંગ કાપવાનો પ્રયાસ કરતાં લોહી નીકળ્યું હતું. લોહી જાેઈ અન્ય બે આરોપીઓએ બૂમો પાડતાં પોલીસ કર્મચારીઓએ તાત્કાલિક મારી ગાડીમાં બેસાડી કોટેજ હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાવી મહેસાણા સિવિલમાં લઈ જતાં આરોપી બચી ગયો છે. હાલમાં અમે જાણવા જાેગ નોંધી છે. આરોપી ભોપાજી ઠાકોર ઉનાવાના લક્ષ્મીપુરા ગામના એક તબેલામાં રહી મજૂરી કરતો હતો. સગીરાના ભાઈ સાથે મિત્રતાના કારણે સંપર્કમાં આવેલી સગીરાને ભગાડી ગયો હતો.
ઊંઝા પોલીસે ધરપકડ કરતાં સગીરા તેના વિરુદ્ધ નિવેદન આપશે તો પોતાને જનમટીપ અથવા આજીવન કેદની સજા થશે તેવા ડરથી લાગી આવતાં હોસ્પિટલમાંથી બ્લેડ સંતાડીને લાવ્યા બાદ ગુપ્તાંગ કાપવાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસ પૂછપરછમાં ખૂલ્યું છે.