અમદાવાદના ર્નિણયનગર-ચાંદલોડિયા રોડ પર ઉમિયા હોલ ત્રણ રસ્તા પાસે લાકડાના દરવાજા-બારીઓ સહિતના ફર્નિચર વેચાણના ઝૂંપડાઓમાં ભીષણ આગ લાગી હતી. અંદાજે ૧૪ જેટલા આવા અલગ અલગ ફર્નિચર વેચાણના ઝૂંપડાઓમાંથી ૭ જેટલા ઝૂંપડાઓમાં આગ ફેલાઇ હતી. એમ્બ્યુલન્સ સહિત ફાયરબ્રિગેડની ૧૫થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી. એક કલાકમાં ફાયરબ્રિગેડે આગને કાબુમાં લઈ લીધી હતી. ૧૫થી વધુ લોકો ત્યાં ઝૂંપડાઓમાં જ રહી અને ફર્નિચરનું વેચાણ કરતાં હતાં. જેઓ સહીસલામત બહાર નીકળી ગયા હતા. અમદાવાદ ફાયરબ્રિગેડ કંટ્રોલરૂમને કોલ મળ્યો હતો કે ઘાટલોડીયા ઉમિયા હોલની સામે લાકડાના વસ્તુઓનું વેચાણ કરતા ઝૂંપડાઓમાં આગ લાગી છે, જેથી તાત્કાલિક ચીફ ફાયર ઓફિસર જયેશ ખડીયા, એડિશનલ ચીફ ફાયર ઓફિસર સહિત ૧ ફાયર ફાઇટર, ૧ મીની ફાઈટર, ૩ ફાયર ટેન્કર, ૭ ગજરાજ, ૧ એબ્યુલન્સ, ૪ કમાન્ડ કંટ્રોલ વ્હિકલ, ૩૮ ફાયરમેન, ૧ સબ ફાયર ઓફિસર, ૨ સ્ટેશન ઓફિસર, ૨ ડીવીઝનલ ઓફિસરનો સ્ટાફ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.
૪ વોટર જેટ અને વોટર મિષ્ટ સાથે અલગ અલગ જગ્યા પરથી પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાના પ્રયત્નો શરૂ કર્યા હતા. મોડી રાતે અંધારું અને લાઈટ ન હોવાથી ફાયરબ્રિગેડે ટાવરનો ઉપયોગ કરીને તમામ કાર્યવાહી કરવામાં આવી હતી. કુલિંગ માટે જેસીબીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. ઝૂંપડાઓમાં લોકો પણ રહેતા હતા. જેથી મેડિકલ ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સ સ્ટેન્ડ ટુ રાખવામાં આવી હતી. લાકડાના દરવાજા બારીઓ અને ફર્નિચર વેચાણ માટે ઝૂંપડાઓ બનાવીને સામાન વેંચતા હતા અને રાત્રી દરમ્યાન એલપીજી ગેસ લીકના સંપર્કમાં આવાથી આગ લાગી હતી. ફાયરબ્રિગેડને આગ બુઝાવવાની કામગીરી દરમ્યાન મેલાભાઈ દંતાણીના ઝૂંપડામાંથી રૂ.૧.૫૦ લાખ રોકડા મળ્યા હતા, જે પોલીસની હાજરીમાં તેઓને પરત કર્યા હતા. પોલીસ અને એફએસએલની ટીમ ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી કરી હતી.
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper