અંજાર ખત્રીચોકમાં વહેલી સવારે એકલતાનો લાભ લઇ પાણી પીવાના બહાને ઘરમાં ઘુસી એલ મહિલા અને પુરુષે વૃદ્ધાને તેના જ ઘરમાં બંધક બનાવી સોનાની બંગડીની લૂંટ ચલાવતા સમગ્ર શહેરમાં ચકચાર પ્રસરી હતી. આ અંગે અંજાર પોલીસ મથકેથી બીલેશ્વર નગરમાં રહેતા 61 વર્ષીય દીપકકુમાર મનસુખલાલ દવેની ફરિયાદને ટાંકીને મળતી માહિતી મુજબ આ બનાવ સવારે 8-30 વાગ્યાના અરસામાં બન્યો હતો. જેમાં પરિવારના સભ્યો નોકરી અર્થે બહાર જતા ઘરમાં અંદાજીત 80 વર્ષીય ફરિયાદીના માતા દિવ્યમતીબેન મનસુખલાલ દવે એકલા હતા.
જેમની એકલતાનો લાભ લઇ અંદાજીત પચીસથી ત્રીસ વર્ષની ઉંમરના એક મહિલા અને એક પુરુષ ઘરના ગેટ પાસે આવ્યા હતા અને પાણી પીવું છે તેવી માંગ કરતા વૃદ્ધાએ પાણી આપ્યું હતું. જે બાદ ઘરમાં પરત જતી વખતે બંને આરોપીઓ ઘરમાં ઘૂસી આવ્યા હતા અને વૃદ્ધાને ધક્કો મારી અંદરના રૂમમાં લઈ ગયા હતા.જ્યાં મોઢે ડૂચો દઈ હાથ બાંધી ચાકુ બતાવી રૂપિયા આપો તેમ કહી હાથમાં પહેરેલી બંગડી જોઈ જતા હાથ ખોલી વૃદ્ધાએ પહેરેલી રૂ. 80 હજારના કિંમતની 4 સોનાની બંગડીઓ ઉતારી લીધી હતી અને ફરી વૃદ્ધાના હાથ બાંધી અને સ્કાફ વડે મુધુ બાંધી વૃદ્ધાને બાજુના રૂમમાં પૂરી દઈ ત્યાંથી નાસી ગયા હતા. જે બાદ વૃદ્ધાએ પડોશના ખત્રીભાઈને ઈસારો કરી બોલાવતા તેમણે વૃદ્ધને રૂમ માંથી બહાર કાઢ્યા હતા. આ બનાવ બાદ આસપાસના લોકો એકત્રિત થયા હતા અને આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી. પરંતુ આરોપીઓ નાસી ગયા હતા.
બનાવ અંગે સમગ્ર શહેરમાં ચકચાર પ્રસરી હતી અને તાત્કાલિક પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી આવી હતી. જ્યાં વૃદ્ધાએ જણાવ્યું હતું કે, બંને આરોપીઓ હિન્દી બોલી રહ્યા હતા અને પાણી પીવાના બહાને ઘરમાં ઘૂસી આવી ઘટનાને અંજામ આપ્યો હતો. બનાવને અંજામ આપનારા આરોપીઓ પોલીસને ખુલ્લો પડકાર ફંકતા હોય તેમ ફરાર થઇ ગયા હતા
આરોપીઓએ રેકી કરી હોવાની આશંકા
સતત ધમધમતા વિસ્તારો પૈકીના એક એવા ખત્રીચોક વિસ્તારમાં ધોળા દિવસે લૂંટનો બનાવ બન્યો હતો. ત્યારે સ્થાનિકોએ જણાવ્યું હતું કે, વૃદ્ધાના ઘરના સભ્યો નોકરી કરે છે અને દરરોજ સવારે વૃદ્ધા ઘરમાં એકલા જ હોય છે. જે બાબતે આરોપીઓએ ચોક્કસ રેકી કરી હશે. વૃદ્ધાના પરિજનો ઘરેથી નીકળ્યા બાદ તરત જ ઘટનાને અંજામ આપવામાં આવ્યો છે. અગર પોલીસ મહેનત કરે તો ચોક્કસ આરોપીઓ પકડાઈ શકે તેમ છે.
આ જ વિસ્તારમાંથી 65 લાખની આંગડિયા લૂંટ થઈ ચુકી છે
અંજારના ખત્રીચોક વિસ્તારમાં અવર નવર લૂંટ અને ચોરી જેવા બનાવો બનતા રહે છે. લોકોની અવર જવરથી સતત ધમધમતો વિસ્તાર હોવા છતાં થોડા સમય પહેલા જ આંગડિયા સંચાલક પાસેથી અંદાજે 65 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી. જેના આરોપીઓ હજુ સુધી મળ્યા નથી તેવામાં ફરી ધોળા દિવસે એ જ વિસ્તારમાં લૂંટનો બનાવ બનતા આ વિસ્તારમાં કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ કથળી હોવાનુ સ્પષ્ટ દેખાઈ રહ્યું છે.
SOURCE – DIVYA BHASKAR
(Founder and Managing Director Of Nirbhay Marg News Broadcast Private Limited)
Mo.99099 78940
Editor:- Police Public Press, Crime Times Newspaper